વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતમાં હવામાન પલટાયું, અનેક રાજ્યોમાં હીટવેવ

174

નવી દિલ્હી, તા.૧૫ : ઉત્તર ભારતમાં આગામી દિવસોમાં લોકોએ લૂનો સામનો કરવો પડી શકે છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતનું પલટાઈ રહ્યું છે.હવામાન વિભાગ મુજબ ૧૮ એપ્રિલ સુધી પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં અલગ અલગ સ્થળો પર હીટવેવની સંભાવના છે.હવામાન વિભાગે જણાવ્યું હતું કે, આગામી કેટલાક દિવસ ઉત્તર-પશ્ચિમ ભારતના અલગ અલગ વિસ્તારોમાં લૂની સ્થિતિ જળવાઈ રહેશે. આ વિસ્તારોમાં ૧૭થી ૧૮ એપ્રિલ સુધી ગંભીર લૂ ચાલવાની શક્યતા છે.જોકે, હિમાચલ પ્રદેશમાં કેટલાક સ્થળો પર વરસાદ પડી શકે છે.અહીં ૧૮ એપ્રિલથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થશે.હવામાન વિભાગે કહ્યું કે, ૧૯મીથી ૨૧મી સુધીમાં હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.આ સાથે લોકોને ગરમીથી રાહત મળવાની આશા છે બીજીબાજુ પૂર્વીય રાજસ્થાન, મધ્ય પ્રદેશષ ઝારખંડ, ગુજરાત અને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં લૂની સંભાવના છે.આ વખતે એપ્રિલની શરૂઆતથી જ ગરમી તેની ચરમ સ્થિતિ પર છે.પારો ૪૦ ડિગ્રી સે.ને પાર રહ્યો છે.તાપમાન સતત ઊંચું રહ્યું છે ત્યારે એપ્રિલમાં વિક્રમી ગરમી માટે પારો માત્ર ચાર ડિગ્રી દૂર છે.હવામાન નિષ્ણાતોએ આ વર્ષે વધુ ગરમીની આશંકા વ્યક્ત કરી છે, જેથી માર્ચ પછી એપ્રિલમાં પણ ગરમીનો વિક્રમ તૂટી શકે છે.વર્ષ ૨૦૧૦ની ૨૨મી એપ્રિલ સૌથી ગરમ દિવસ તરીકે નોંધાયેલ છે. તે દિવસે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સે.હતું.ગયા વર્ષે એપ્રિલમાં તાપમાન પાંચ દિવસ માટે જ ૪૦ ડિગ્રીથી ઉપર હતું, આ વખતે ૧૦ વધુ દિવસ સુધી તાપમાન ૪૦ ડિગ્રીથી ઉપર હેવાની શક્યતા છે.સ્કાયમેટ વેધર અને હવામાન વિભાગ મુજબ પૂર્વોત્તર ભારતમાં આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય, દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ,દક્ષિણ કર્ણાટક અને લક્ષ્યદ્વિપમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં કેટલાક સ્થળો પર પણ હળવો વરસાદ વરસી શકે છે.છત્તીસગઢ, દક્ષિણ ઓડિશા, ઉત્તરી તટીય આંધ્ર પ્રદેશ અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

Share Now