મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય : ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવા માટે મંજૂરી જરૂરી

201

– જો નિયમભંગ થશે તો પ્રશાસન દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે

મુંબઈ, તા. 18 એપ્રિલ 2022, સોમવાર : મસ્જિદોના લાઉડ સ્પીકરનો મુદ્દો વધુને વધુ ગરમાઈ રહ્યો છે.મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ 3 મે સુધીમાં મસ્જિદોના લાઉડ સ્પીકર દૂર કરવા માટેની ડેડલાઈન આપેલી છે.ત્યારે હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે આ મામલે મહત્વનો નિર્ણય લીધો છે.સરકારના ગૃહ વિભાગે સોમવારે આ મામલે મહત્વની બેઠક યોજી હતી.બેઠકમાં કોઈ પણ ધાર્મિક સ્થળે મંજૂરી વગર લાઉડ સ્પીકર લગાવવા પર રોક લગાવી દેવામાં આવી છે.મતલબ કે, હવેથી લાઉડ સ્પીકર લગાવવા માટે કોઈ પણ ધર્મ જાતિ વિશેષ સમુદાયે પોલીસની મંજૂરી લેવી પડશે.

જાણવા મળ્યા મુજબ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટિલ ટૂંક સમયમાં જ આ મામલે મહારાષ્ટ્રના DGP સાથે એક બેઠક પણ કરશે.જો કોઈ મંજૂરી વગર લાઉડ સ્પીકર લગાવશે તો તેના સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.સોમવારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અને DGP વચ્ચે લાઉડ સ્પીકર વિવાદ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક પાસાઓ અંગે વિચારણા કર્યા બાદ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.તેના અંતર્ગત ધાર્મિક સ્થળો પર લાઉડ સ્પીકર લગાવતા પહેલા પોલીસની મંજૂરી ફરજિયાત કરી દેવાઈ છે.

મહારાષ્ટ્ર સરકારના નિવેદન પ્રમાણે હવેથી મંજૂરી વગર લાઉડ સ્પીકર લગાવનારાઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, જો ધાર્મિક સ્થળોએ લાઉડ સ્પીકર લગાવવું છે તો મંજૂરી લેવી પડશે.જો નિયમભંગ થશે તો પ્રશાસન દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે.

Share Now