એસબીઆઈની તિજોરીમાંથી ૧૧ કરોડ રૂપિયાના સિક્કા ગુમ થઈ ગયા

145

રાજસ્થાનમાં એસબીઆઈની મહેંદીપુર બ્રાન્ચમાંથી ૧૧ કરોડના સિક્કા ગુમ થઈ ગયા હતા.સિક્કા ગુમ થયાનો મુદ્દો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો હોવાથી કોર્ટે સીબીઆઈ તપાસ શરૂ કરાવી છે.રાજસ્થાનમાં એસબીઆઈની મહેંદીપુર બ્રાન્ચની તિજોરીમાં રાખેલા ૧૩ કરોડના સિક્કામાંથી ૧૧ કરોડના સિક્કા ગુમ થઈ ગયા હતા.સિક્કા ઓછા થયાની શંકા પડયા બાદ એસબીઆઈએ જયપુરની ખાનગી કંપનીને સિક્કા ગણવાનું કામ સોંપ્યું હતું.એ વખતે ૩૦૦૦ થેલીઓમાંથી માત્ર બે કરોડ રૃપિયાના સિક્કા જ મળ્યા હતા.બેંકને શરૂઆતમાં ત્રણેક કરોડના સિક્કા ગુમ થયાનો અંદાજ હતો.પોલીસ ફરિયાદ નોંધાઈ એમાં પણ ત્રણેક કરોડના સિક્કા ગુમ થયાની શક્યતા વ્યક્ત થઈ હતી.જો ત્રણ કરોડથી વધારેની ગરબડ હોય તો આવા મામલામાં સીબીઆઈ તપાસ થઈ શકે છે.૧૧ કરોડના સિક્કા ગુમ થયાની ફરિયાદ એસબીઆઈએ નોંધાવી હતી.એ મુદ્દો રાજસ્થાન હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.હાઈકોર્ટે સીબીઆઈને આ મુદ્દે તપાસનો આદેશ આપ્યો છે.સિક્કા કેવી રીતે ગુમ થયા તે રહસ્ય છે.પોલીસ તપાસમાં ખાસ જાણકારી એકઠી થઈ ન હતી.અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે આદેશ આપ્યો હોવાથી સીબીઆઈએ પોલીસમાં દર્જ થયેલી એફઆઈઆર કબજે કરી હતી.એફઆઈઆરમાં એવો પણ દાવો થયો હતો કે જ્યારે ખાનગી કંપનીને સિક્કા ગણવાનું કામ સોંપાયું અને એ કર્મચારીઓએ ગેસ્ટહાઉસમાં રહીને કામ શરૃ કર્યું ત્યારે તેમને સિક્કા ન ગણવાની બાબતે ધમકાવવામાં આવ્યા હતા.ગત વર્ષે ઓગસ્ટ માસમાં સિક્કાની ગણતરી કરવામાં આવી હતી.

Share Now