ટ્રાફિકના નિયમો તોડવા બદલ 2500 લોકો પોતાના ડ્રાઇવિંગ લાઇસંસ ગુમાવશે

123

મુંબઇ : ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરૃદ્ધ મુંબઇ ટ્રાફિક પોલીસની કારવાઇ જોરશોરથી ચાલી રહી છે.ટ્રાફિક પોલીસના જણાવવા મુજબ છેલ્લા ૧૧ દિવસમાં ૧૫,૬૦૯ વાહનચાલકો સામે પોલીસે હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.એ ઉપરાંત, ૬ થી ૧૬ એપ્રિલ દરમ્યાન ૨,૪૪૬ વાહન ચાલકોના વિવિધ ગુના બદલ લાઇસંસ સસ્પેન્ડ કરવના ટ્રાફિક પોલીસે આરટીઓને પત્ર લખ્યો છે.આરટીઓની મંજુરી મળતા જ આ ૨૪૪૬ ડ્રાઇવિંગ લાઇસંસ ધારકોના લાઇસંસ સસ્પેન્ડ કરી દેવાશે.એની પાછળનો ઉદ્દેશ ટ્રાફિકના નિયમોનો સખતાઇથી પાલન કરાવવાનો છે.ટ્રાફિક પોલીસે આપેલી માહિતી મુજબ જે લોકોએ ટ્રાફિકના નિયમો તોડવાનો ગુનો કર્યો છે એમને ટ્રાફિક પોલીસના હેડકવાર્ટરમાં હાજર થવા સમન્સ બજાવાયા છે.અત્યાર સુધીમાં ૩૯૫૧ વાહનચાલકોને સમન્સ જારી કરાયા છે. જ્યારે ૧૯૪૦ વાહનચાલકોને હેડકવાર્ટરમાં બોલાવી હાથોહાથ સમન્સ અપાયા છે.જેમને સમન્સ મળ્યા છે એ લોકોએ કોઇ પણ સંજોગોમાં ટ્રાફિકના ગુના બદલ દંડ ભરવો જ પડશે.અત્રે નોંધવું જોઇએ કે સંજય પાંડેએ મુંબઇના પોલીસ કમિશનર બન્યા બાદ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.એમણે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓના વાહનો જપ્ત કરવાની અને વારંવાર નિયમો તોડનારા વાહનચાલકોના લાઇસંસ સસ્પેન્ડ કરવાની ચીમકી પણ આપી હતી.

ટ્રાફિક પોલીસે આ મહીને શરૃ કરેલા અભિયાન હેઠળ વીકએન્ડમાં સૌથી વધુ ગુના નોંધાયા હતા.૯ અને ૧૦ એપ્રિલે હેલ્મેટ પહેર્યા વિના ટુ-વ્હીલર ચલાવવાના આરોપ હેઠળ અનુક્રમે ૧૭૩૦ અને ૧૨૫૬ લોકો વિરૃદ્ધ ગુના નોંધાયા હતા.જ્યારે શનિવાર ૧૬ એપ્રિલે ૧૫૧૫ કેસ નોંધાયા હતા એ ઉપરાંત શનિ-રવિમાં અનુક્રમે ૨૮૩ અને ૧૯૧ વાહનચાલકોના લાઇસંસ સ્થગિત કરવાની ભલામણ કરાઇ હતી.

Share Now