સાપુતારા : ભારતવર્ષમા સફળ રહેલા ‘સ્વચ્છતા અભિયાન’ ને કારણે જાહેર સ્વાસ્થ્યમા સુધારો આવવા સાથે, પ્રજાજનોમા પણ સ્વાસ્થ પ્રત્યેની જાગૃતિ વધી છે, તેમ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે આહવાના બ્લોક લેવલ હેલ્થ મેળામા જણાવ્યુ હતુ.રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામા પણ શરૂ થયેલા બ્લોક લેવલ હેલ્થ મેળાના આહવા તાલુકાના કાર્યક્રમમા અધ્યક્ષ સ્થાનેથી બોલતા, પ્રમુખ શ્રી ગાવિતે, સ્થાનિક પદાધિકારીઓ અને કાર્યકરોને પ્રજાલક્ષી યોજનાઓ સાથે PMJAY-માં કાર્ડથી, છેવાડાનો એકપણલાભાર્થી વંચિત ન રહી જાય તેની તકેદારી દાખવવાનો અનુરોધ કર્યો હતો.જિલ્લાના આરોગ્યકર્મીઓ સહિત આંગણવાડી, અને આશાની પ્રજાલક્ષી સેવાઓને બિરદાવવા પ્રમુખશ્રીએ વંચિતોના વિકાસના કાર્યમા સૌને સહભાગી થવાની હાંકલ કરી હતી.
પાયાના કર્મચારીઓના પ્રજાલક્ષી અભિગમને કારણે પ્રજાકિય જાગૃતિ વધવા પામી છે તેમ જણાવતા, ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે બાળ વિવાહ જેવા સામાજિક મુદ્દે વધુ જાગૃતિની આવશ્યકતા છે તેમ જણાવ્યુ હતુ. કુપોષણને દેશવટો આપવા માટે, નાની ઉમરે થતા લગ્નોની કુપ્રથા બંધ થાય તે ઈચ્છનિય છે તેમ જણાવતા ધારાસભ્યશ્રીએ, વિવિધ વિકાસ યોજનાઓનો લાભ, વંચિતો અને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની પણ આ વેળા હિમાયત કરી હતી.ભાજપા અધ્યક્ષ શ્રી દશરથભાઈ પવારે રાજ્ય સરકારના શ્રેણીબદ્ધ કાર્યક્રમોની વિભાવના સ્પષ્ટ કરી, નાના મોટા કાર્યક્રમોની સફળતામા સૌની સહભાગીદારીતાને બિરદાવી હતી.આહવાના કાર્યક્રમ દરમિયાન સ્વાગત વક્તવ્ય રજૂ કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી.અંતે આભારવિધિ RCHO શ્રી ડો.સંજય શાહે આટોપી હતી.
ડાંગ દરબાર હૉલ ખાતે યોજાયેલા કાર્યક્રમમા જિલ્લાના ગ્રામીણકક્ષાના આરોગ્ય કર્મીઓ, આંગણવાડી કાર્યકરો, આશા, સહિત જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી હેતલબેન ચૌધરી, શિક્ષણ સમિતિના અધ્યક્ષા નિલમ ચૌધરી, જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી સહિત તાલુકા/જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારી/કર્મચારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.
કાર્યક્રમ સ્થળે જિલ્લાના જુદા જુદા વિભાગો જેવા કે આરોગ્ય, આઇ.સી.ડી.એસ., આયુષ, માહિતી અને પ્રસારણ, રમતગમત, નહેરુ યુવા કેન્દ્ર, શિક્ષણ, ફૂડ એન્ડ ડ્રગ્સ જેવા વિભાગોએ યોજનાકીય પ્રચાર-પ્રસાર અર્થે સ્ટોલ્સ ઊભા કર્યા હતા.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પિંપરી દ્વારા અહી આરોગ્યલક્ષી તપાસનો કેમ્પ પણ કરાયો હતો.જ્યારે આરોગ્ય શાખા દ્વારા PMJAY-માં કાર્ડ કાઢી આપવાની કાર્યવાહી પણ હાથ ધરાઇ હતી.આ સ્ટોલ્સની પણ મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. કાર્યક્રમ દરમિયાન મુખ્ય સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓના લાભો પણ એનાયત કરાયા હતા.