RSSના પ્રચારકનો મુકાબલો કરશે કોંગ્રેસ સેવાદળનું ‘વિચારક’, ‘ડંડા’નો મુકાબલો ‘ઝંડા’થી

151

જયપુર, તા. 20 એપ્રિલ 2022, બુધવાર : કોંગ્રેસ સેવાદળ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કરતાં પણ 2 વર્ષ જુનૂં સંગઠન છે.જોકે બાદમાં બદલાતા સમય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (Rashtriya Swayamsevak Sangh) મજબૂત થતું ગયું અને કોંગ્રેસ સેવાદળ (Congress Seva Dal) નેપથ્યમાં જતું રહ્યું.કોંગ્રેસ સેવાદળ હવે ફરી એક વખત મુખ્ય પ્રવાહમાં પરત ફરશે અને RSSનો મુકાબલો કરશે. કોંગ્રેસ પાર્ટી પોતાના આ આગલી હરોળના પાયદળ (હરાવલ ટુકડી)ને ભવિષ્યના યુદ્ધ માટે તૈયાર કરવામાં લાગી છે.કોંગ્રેસ સેવાદળનો એક સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે પરંતુ બદલાતા સમય સાથે સેવાદળ પાસે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં અનુશાસન જાળવવાની જવાબદારી જ રહી ગઈ.હવે પાર્ટી આ સંગઠનનું ગૌરવ ફરી પાછું લાવવાની કવાયત કરી રહી છે.

કોંગ્રેસ સેવાદળ પોતાના અનુશાસન અને જુસ્સાને લઈ પ્રખ્યાત છે.સેવાદળના સંસ્થાપક ડો. નારાયણ સુબ્બારાવ હાર્ડિકર અને RSSના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવાર બંને સહપાઠી હતા. હાર્ડિકરે 8 ડિસેમ્બર 1923ના રોજ હિન્દુસ્તાની સેવાદળના નામથી સેવાદળની રચના કરી હતી.જ્યારે હેડગેવારે 27 સપ્ટેમ્બર 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી.આઝાદીની લડાઈમાં સેવાદળે પ્રમુખ ભૂમિકા ભજવી હતી. 1947માં તેનું નામ હિન્દુસ્તાની સેવાદળમાંથી બદલીને કોંગ્રેસ સેવાદળ કરી દેવામાં આવ્યું હતું.પંડિત જવાહરલાલ નેહરૂ તેના પ્રથમ અધ્યક્ષ હતા.તે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલના સપનાંઓનું સંગઠન ગણાય છે.

બંને સંગઠનો વચ્ચેનો તફાવત
આઝાદી બાદ સેવાદળે શિક્ષણના પ્રસાર, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ અને શાંતિ-સદ્ભાવ જેવા કામ સંભાળ્યા.જોકે ધીરે-ધીરે પાર્ટીને સેવાદળની જરૂરિયાત ઓછી લાગવા લાગી અને તે ફક્ત પાર્ટીના કાર્યક્રમોમાં વ્યવસ્થા સંભાળનારૂં સંગઠન બનીને રહી ગયું.RSS અને કોંગ્રેસ સેવાદળમાં તફાવત એ છે કે, RSS માતૃસંગઠન છે તથા વિભિન્ન સંસ્થા-સંગઠનોનું નેતૃત્વ કરે છે જ્યારે કોંગ્રેસ સેવાદળ કોંગ્રેસનું એક અગ્રિમ સંગઠન છે.RSS ભલે કોંગ્રેસ સેવાદળના 2 વર્ષ બાદ અસ્તિત્વમાં આવ્યું હોય પરંતુ હવે તે એક પાવરફુલ સંગઠન છે.

BJPનો રાષ્ટ્રવાદનો એજન્ડા પસંદ આવી રહ્યો છે
કોંગ્રેસને હવે ફરી એક વખત સેવાદળની જરૂરિયાત અનુભવાઈ રહી છે.RSSની વિચારધારાનો મુકાબલો કરવા માટે કોંગ્રેસ ફરી સેવાદળને તૈયાર કરી રહ્યું છે.દેશમાં લોકો દ્વારા RSS અને BJPનો રાષ્ટ્રવાદનો એજન્ડા પસંદ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસ ધીમે-ધીમે સંકોચાઈ રહી છે.કોંગ્રેસ આ કથિત રાષ્ટ્રવાદના એજન્ડાને ભ્રમિત અને ગેરમાર્ગે દોરનારો ગણાવે છે.કોંગ્રેસના મતે તેમાં ઈતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવે છે.

ગ્રામ્ય સ્તરે મોરચો સંભાળશે સેવાદળ
કોંગ્રેસ પાર્ટી RSSનો પૂરજોશથી મુકાબલો કરી શકે તે માટે સેવાદળને તૈયાર કરવામાં આવી રહ્યું છે.સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈના કહેવા પ્રમાણે સેવાદળ હવે નવા કલેવરમાં જોવા મળશે. સેવાદળમાં નીચલા સ્તર સુધી પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આ પ્રશિક્ષિત સેવાદળના કાર્યકરો ગામે-ગામ જઈને મોરચો સંભાળશે.સેવાદળ પદાધિકારીના કહેવા પ્રમાણે તેઓ ‘પ્રચારક’ નહીં પરંતુ ‘વિચારક’ તૈયાર કરશે અને RSS જેવી સંસ્થાઓના એજન્ડાનો જડબાતોડ જવાબ આપશે.

ડંડાનો મુકાબલો ઝંડાથી
હાલ દેશમાં RSSનો રાષ્ટ્રવાદનો એજન્ડા હાવી થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસને ફરી સેવાદળના જુસ્સાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.કોંગ્રેસ સેવાદળ પણ તેને આઝાદીની બીજી લડાઈ ઠેરવી રહ્યું છે.સેવાદળ પ્રદેશાધ્યક્ષ હેમસિંહ શેખાવતના કહેવા પ્રમાણે ડંડાનો મુકાબલો ઝંડાથી અને પ્રચારકનો મુકાબલો વિચારકથી કરવામાં આવશે.હવે એ જોવાનું રહ્યું કે, લાંબા સમય સુધી નેપથ્યમાં રહેલું સેવાદળ પોતાને કેટલું મજબૂત કરીને RSSનો મુકાબલો કરી શકે છે.

Share Now