જહાંગીરપુરી હિંસા : સોનુ, અંસાર સહિત પાંચ સામે એનએસએ લાગુ

147

નવી દિલ્હી, તા. ૧૯ : દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના દિવસે થયેલી હિંસામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.આ આરોપીઓમાં મુખ્ય આરોપી અંસાર, સલીમ, સોનુ શેખ, દિલશાદી અને અહીદનો સમાવેશ થાય છે.ગૃહમંત્રાલયે જહાંગીરપુરીમાં થયેલી હિંસા મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરી છે તો બીજીબાજુ ક્રાઈમ બ્રાન્ચ પણ સક્રિય થઈ ગઈ છે.આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૫ લોકોની ધરપકડ કરાઈ છે અને ક્રાઈમ બ્રાન્ચની ૧૪ ટીમો તપાસ કરી રહી છે.જહાંગીરપુરીમાં હિંસા થઈ ત્યાં અને આજુબાજુ લાગેલા સીસીટીવી કેમેરાથી અંદાજે ૨૦૦ વીડિયો ફૂટેજ એકત્ર કરાયા છે.તેના આધારે આરોપીઓની ઓળખ કરાઈ રહી છે.દિલ્હી પોલીસે મંગળવારે સાંજે વધુ એક આરોપી ગુલામ રસૂલ ઉર્ફ ગુલ્લીની ધરપકડ કરી છે. જોકે, મંગળવારે જહાંગીરપુરીમાં સ્થિતિ સામાન્ય બની હતી અને એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણ રહ્યું હતું.

દરમિયાન જહાંગીરપુરી હિંસાનો મુખ્ય આરોપી ‘આપ’નો નેતા હોવાના ભાજપના દાવાઓ વચ્ચે આમ આદમી પાર્ટી (આપ)ની ધારાસભ્ય આતિશીએ અંસાર ભાજપનો નેતા હોવાનો દાવો કર્યો છે.આતિશીએ મંગળવારે એક ટ્વીટ કરીને કહ્યું કે જહાંગીરપુરી રમખાણોનો મુખ્ય આરોપી અંસાર ભાજપનો નેતા છે. તેણે ભાજપની ઉમેદવાર સંગીતા બજાજને ચૂંટણી લડાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ભાજપ રમખાણો કરાવે છે.આ સાથે આતિશીએ અંસારની ભાજપ નેતાઓ સાથેની કેટલીક તસવીરો પણ ટ્વીટર પર શૅર કરી છે.અગાઉ ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ આદેશ ગુપ્તાએ આક્ષેપ કર્યો હતો કે અંસાર આપનો કાર્યકર છે.આ હિંસા આપની સરકાર દ્વારા રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ગેર-કાયદે રાખવાનું પરિણામ છે.આપના ધારાસભ્યો સાથે અંસારની તસવીરો છે.

Share Now