બારડોલી : બારડોલીમાં આવેલી BAPS સ્વામિનારાયણ છાત્રાલયના વાર્ષિકદિનની ઉજવણી સ્વામિનારાયણ મંદિર સાંકરી ખાતે કરવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત સારંગપુરના સંગીતજ્ઞ સંત પૂ. ભાર્ગવ ભગત તેમજ સંત વૃંદ દ્વારા પ્રભુ નામ સ્મરણથી કરવામાં આવી હતી.છાત્રાલયની આ વર્ષની વાર્ષિક ઉત્સવની થીમ ‘સંપ’ રાખવામાં આવી હતી.જે અંતર્ગત 65થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ‘સંગછધ્વમ’ સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો.આ સંવાદની તૈયારી વિદ્યાર્થીઓ દ્વારા 20 દિવસની અંદર કરવામાં આવી હતી. સંવાદમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી 90 ટકા વિદ્યાર્થીઓ પ્રથમ વખત સ્ટેજ પર રજૂઆત કરી હતી. છતાં પણ 2 કલાકથી વધુ ચાલેલા આ સંવાદમાં હરિભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા.કાર્યક્રમમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે BAPS સ્વામિનારાયણ મંદિર ભાવનગરના મહંત પૂજ્ય સોમપ્રકાશ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમ સાંકરી મંદિરના કોઠારી પુણ્ય દર્શન સ્વામીના માર્ગદર્શન હેઠળ થયો હતો.સોમપ્રકાશ સ્વામીએ સંવાદ સંબંધિત સંપની વાતો દ્રઢ કરાવી હતી અને વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું.કાર્યક્રમના અંતભાગમાં છાત્રાલયના મુખ્ય સંચાલક સંત ધ્યાનજીવન સ્વામીએ નામી અનામી દરેક સહયોગીનો આભાર વ્યક્ત કર્યો હતો.