બારડોલી : ભારત મોસમ વિભાગ દ્વારા આગામી દિવસોમાં સુરત જિલ્લામાં તારીખ 20 થી 24 એપ્રિલ 2022 દરમ્યાન આકાશ વાદળછાયું રહેવાની તેમજ 21 અને 22 એપ્રિલ દરમિયાન છુટી છવાઈ જગ્યાઓ પર અતિ હળવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.વરસાદ અને પવન ફૂંકાવાથી કેરીના પાકને નુકસાન થઈ શકે છે.ત્યારે ખેડૂતોએ આ સમયગાળા દરમ્યાન રાખવાની તકેદારી બાબતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૂચનો જારી કરવામાં આવ્યા છે.21થી 23 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.તારીખ 22 એપ્રિલ બાદ માંડવી અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં ભેજના પ્રમાણમાં ઘટાડાની શકયતા છે.જિલ્લામાં આ દિવસો દરમ્યાન સરેરાશ 12.1 થી 18.1 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.તે ઉપરાંત માંડવી અને માંગરોળ તાલુકામાં વધુ ઝડપે પવન ફૂંકાય શકે છે.માંડવી તાલુકામાં 22થી 30 કિમી પ્રતિ કલાક અને માંગરોળ તાલુકામાં 18 થી 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.
કમોસમી વરસાદથી થતા પાકને નુકસાનથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/ તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવુ અંગે સૂચના આપવામાં આવી છે.ફળ પાકો અને શાકભાજી ઉતારીને બજારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા, પાકોમાં ફળોની વીણી કરીને ફળઝાડોને પવન સામે રક્ષણ માટે ટેકો આપવાની વ્યવસ્થા કરવા જણાવાયું છે.આ ઉપરાંત રાસાયણિક ખાતર કે નવું ખરીદેલ બિયારણ પલળે નહીં તે મુજબ સુરક્ષિત રીતે ગોડાઉનમાં રાખવા તેમજ જંતુનાશક દવા/ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા જણાવવામાં આવ્યું છે.સંભવિત વરસાદને ધ્યાનમાં લઈ ખેડૂત મિત્રોને પાકોમાં વરસાદ પડી ગયા બાદ વરસાદના પ્રમાણને ધ્યાનમાં રાખી પિયત આપવાની સલાહ આપવામાં આવી છે.