રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૧૮ રનથી વિજય મેળવ્યો

179

મુંબઈ, તા.૧૯ : ડુ પ્લેસીસની ૬૪ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા સાથેની ૯૬ રનની કેપ્ટન્સ ઈનિંગ બાદ હેઝલવૂડે ચાર વિકેટ ઝડપતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૧૮ રનથી વિજય મેળવ્યો હતો.જીતવા માટેના ૧૮૨ના ટાર્ગેટ સામે લખનઉની ટીમ ૮ વિકેટે ૧૬૩ રન સુધી જ પહોંચી શકી હતી.લખનઉ તરફથી કૃણાલ પંડયાએ ૪૨ રન કર્યા હતા.બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે લખનઉ હાર્યું હતુ.બેંગ્લોરે પાંચમી જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન મેળવ્યું હતુ.જ્યારે લખનઉની ટીમ ચોથા ક્રમે ફેંકાઈ હતી.અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સ સામે છ વિકેટે ૧૮૧નો સ્કોર ખડક્યો હતો.લખનઉના કેપ્ટન રાહુલે ટોસ જીતીને પ્રથમ બેંગ્લોરને બેટીંગમાં ઉતાર્યું હતુ.બેંગ્લોરની શરૃઆત સારી રહી નહતી.ચામીરાએ પહેલી જ ઓવરના પાંચમા બોલે ઓપનર અનુજ રાવત (૪)ને રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો.જે પછીના બોલે વિરાટ કોહલી (૦)ને હૂડાના હાથે કેચઆઉટ કરાવતા બેંગ્લોરે માત્ર ૭ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

આંચકાજનક શરૃઆતમાંથી બેંગ્લોરને કેપ્ટન ડુ પ્લેસીસે ઉગાર્યું હતુ.તેણે ધીમી શરૃઆત સાથે ૪૦ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા.જોકે ત્યાર બાદ તેણે માત્ર ૧૪ બોલમાં ૪૬ રન ફટકાર્યા હતા.તે ચાર રનથી સદી ચૂક્યો હતો અને ઈનિંગના છેલ્લા બોલે હોલ્ડરની બોલિંગમાં આઉટ થયો હતો.તેનો કેચ સ્ટોઈનીસે ઝડપ્યો હતો.તેણે મેક્સવેલ (૨૩) સાથે ૩૭ અને પ્રભુદેસાઈ સાથે ૧૮ રન જોડયા હતા.શાહબાઝ (૨૬) સાથે ડુ પ્લેસીસે ૪૮ બોલમાં ૭૦ રનની ભાગીદારી કરી હતી.ડુ પ્લેસીસ અને દિનેશ કાર્તિકે (૧૩*)ની જોડીએ ૨૭ બોલમાં ૪૯ રન ફટકાર્યા હતા.હોલ્ડરે આખરી ઓવરમાં માત્ર ચાર જ રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી.તેણે ૪ ઓવરમાં ૨૫ રન આપીને બે વિકેટ ઝડપી હતી.ચામીરાએ પણ બે વિકેટ મેળવી હતી.

Share Now