મુંબઈ, તા.૨૦ : વેસ્ટ ઈન્ડિઝની વન ડે અને ટી-૨૦ ટીમના કેપ્ટન પોલાર્ડે અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.વિન્ડિઝના ૩૪ વર્ષના ધુરંધર ઓલરાઉન્ડર પોલાર્ડે સોશિયલ મીડિયામાં વિડિયો મેસેજ પોસ્ટ કરીને કહ્યું હતુ કે, ગંભીરતાપૂર્વકની વિચારણા બાદ મેં આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનું નક્કી કર્યું છે.પોલાર્ડ હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઇપીએલ રમી રહ્યો છે.પોલાર્ડે વર્ષ એપ્રિલ, ૨૦૦૭માં સાઉથ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય વન ડેમાં પ્રવેશ મેળવ્યો હતો.તે ૧૨૩ વન ડે રમ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૦૮માં ટી-૨૦માં પ્રવેશ મેળવનારા પોલાર્ડે ૧૦૧ આંતરરાષ્ટ્રીય મેચીસમાં વિન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.તે વર્ષ ૨૦૧૨માં ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમનો સભ્ય હતો.જોકે ૨૦૧૬માં વિન્ડિઝ ફરી ટી-૨૦માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું ત્યારે તે ઈજાગ્રસ્ત હોવાથી ટીમમાં સામેલ નહતો.તેને વર્ષ ૨૦૧૪ ડિસેમ્બરમાં સેમી અને બ્રાવોની સાથે ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.ત્યાર બાદ વિન્ડિઝની ટીમ બોર્ડ સાથેના પગાર વિવાદને પગલે ભારત પ્રવાસ અધૂરો છોડી જતી રહી હતી. આખરે તેનું જુન, ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન થયું હતુ. તેને ૨૦૧૯માં વન ડે અને ટી-૨૦નો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.તેણે કુલ મળીને ૬૧ વ્હાઈટબોલ મેચીસ માં ટીમનુ સુકાન સંભાળ્યું હતુ.જેમાંથી ૨૫ તેઓ જીત્યા હતા અને ૩૧માં હાર્યા હતા.જ્યારે પાંચ મેચ અનિર્ણિત રહી હતી.