વોશિંગ્ટન : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ ભારત સહિત વિશ્વના અગ્રણી દેશોના આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો કર્યો છે.જોકે, ઘટાડા પછી પણ ભારત ૨૦૨૨માં ૮.૨ ટકાના દરે વિકાસ સાધશે, જે તેને વિશ્વનું સૌથી વધુ ઝડપે વૃદ્ધિ પામતું અર્થતંત્ર બનાવશે.IMFના અંદાજ મુજબ ભારતનો આર્થિક વૃદ્ધિદર ચીનના ૪.૪ ટકાની તુલનામાં લગભગ બમણો રહેવાનો અંદાજ છે.IMFએ ૨૦૨૨માં વૈશ્વિક વૃદ્ધિદર પણ ૨૦૨૧ના ૬.૧ ટકાથી ઘટીને ૩.૬ ટકા રહેવાની આગાહી કરી છે.વર્લ્ડ ઇકોનોમિક આઉટલૂકમાં IMFએ જણાવ્યું હતું કે, “૨૦૨૨માં ભારતનો વૃદ્ધિદર અગાઉના અંદાજ કરતાં ૦.૮ ટકા ઓછો રહેવાની શક્યતા છે.૨૦૨૧માં ભારતે ૮.૯ ટકાના દરે આર્થિક વૃદ્ધિ હાંસલ કરી હતી.૨૦૨૩માં તે ૬.૯ ટકાના દરે વિકાસ સાધશે એવો અંદાજ છે.” IMF દ્વારા ભારતના વૃદ્ધિદરમાં ઘટાડાનું આંશિક કારણ યુક્રેન યુદ્ધ તેમજ તેને લીધે ઇંધણ અને ખાદ્ય ચીજોના ભાવમાં થયેલો વધારો છે.આ પરિબળોને કારણે વૃદ્ધિનું મોમેન્ટમાં ધીમું પડવાની શક્યતા છે.IMFએ ૨૦૨૨ અને ૨૦૨૩માં વૈશ્વિક વૃદ્ધિ ૩.૬ ટકા રહેવાની આગાહી કરી છે, જે જાન્યુઆરીમાં જારી કરાયેલા અંદાજની તુલનામાં અનુક્રમે ૦.૮ ટકા અને ૦.૨ ટકા ઓછી છે. IMFના અહેવાલમાં જણાવ્યા અનુસાર ૨૦૨૧માં ચીનની વૃદ્ધિ ૮.૧ ટકા રહી હતી, જે ૨૦૨૨માં માત્ર ૪.૪ ટકા રહેવાનો અંદાજ છે.IMFએ ૨૦૨૩માં પણ ચીનનો આર્થિક વૃદ્ધિદર ૫.૧ ટકા રહેવાની આગાહી કરી છે.ચાલુ વર્ષે અમેરિકાની વૃદ્ધિ ૩.૭ ટકા રહેવાનો અંદાજ છે, જે ૨૦૨૧માં ૫.૭ ટકા હતી.IMFના જણાવ્યા અનુસાર રશિયા અને યુક્રેનના જીડીપીમાં ચાલુ વર્ષે સંકોચન જોવા મળશે.
ક્રિપ્ટો કરન્સીના નિયમન માટે નાણામંત્રીની અપીલ
મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓના ફાઇનાન્સિંગ માટેનો દુરુપયોગ અટકાવવા નાણામંત્રી નિર્મલા સીતારામને ક્રિપ્ટો કરન્સીના નિયમન માટે વૈશ્વિક માળખું તૈયાર કરવાની અપીલ કરી છે.IMF દ્વારા વોશિંગ્ટનમાં આયોજિત ‘મની એટ એ ક્રોસરોડ’ સંવાદમાં બોલતા નાણાપ્રધાન સીતારામને જણાવ્યું હતું કે, “મારા મતે તમામ દેશો માટે મની લોન્ડરિંગ અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ સૌથી મોટું જોખમ છે.કોઇ દેશ એકલા હાથે આ સમસ્યાનો સામનો કરી શકે નહીં અને એટલે તમામ દેશોએ સાથે મળીને ક્રિપ્ટો કરન્સીના નિયમનનું માળખું તૈયાર કરવું જોઇએ.મારા મતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેનું નિયમન કરી શકાય.”