હરિધામ સોખડા મંદિરનો વિવાદ : 400થી વધુ હરિભક્તોને હાઈકોર્ટમાં હાજર કરવા આદેશ

177

– હરિપ્રસાદ સ્વીમીના અવસાન બાદ ગાદીપતિની લડાઈ શરૂ થઈ અને હરિધામ સોખડા મંદિર બે જૂથમાં વહેંચાઈ ગયું છે

વડોદરા, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર : હરિધામ સોખડા મંદિરનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી ગયો છે.હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરી દ્વારા પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમના મળતિયા સામે કોર્ટમાં અરજી કરવામાં આવી છે.સોખડા મંદિરમાં 400થી વધુ હરિભક્તો અને સાધુ સંતોને ગોંધી રખાયાની ફરિયાદ કરવામાં આવી છે.જેને લઈને કોર્ટે તાત્કિલક તમામ લોકોને છોડાવવા અને તેમને બપોરે 2:00 વાગ્યે વીડિયો કોન્ફરન્સથી કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, 10 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ પચાવી પાડવા માટે પ્રેમસ્વરૂપ સ્વીમી અને તેમના મળતિયાઓ ખોટા ઈરાદાથી વર્તી રહ્યા છે.મહત્વપૂર્ણ છે કે, હરિપ્રસાદ સ્વીમીના અવસાન બાદ ગાદીપતિની લડાઈ શરૂ થઈ અને હરિધામ સોખડા મંદિર બે જૂથમાં વહેંચાઈ ગયું છે.

સોખડા ખાતે હરિધામ સંકુલમાં પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં પ્રબોધ સ્વામી સાથે તેમના જૂથના સંતો અને સાધકોએ ૨૧ એપ્રિલે હરિધામ છોડવાની જાહેરાત કરી હતી અને તે પહેલા આ મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે.હાઈકોર્ટમાં સોખડા હરિધામના સ્થાપક બ્રહ્મલીન ગુરુ શ્રી હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરી પવિત્રા જાનીએ કરેલી પિટિશનમાં હાઈકોર્ટને અપીલ કરી છે કે, 400 જેટલા સંતો,સાધ્વીઓ અને ભાવિકોને હરિધામ સંકુલમાં ગેરકાયદેસર રીતે ગોંધી રાખવામાં આવ્યા છે અને તેમને મુક્ત કરવા માટે હાઈકોર્ટ આદેશ આપે.

સોખડા ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્થાના હરિધામની ગાદી માટે પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં આખરે પ્રબોધ સ્વામી અને તેમના જૂથના સંતો તથા સાધકોએ ૨૧ એપ્રિલ, ગુરુવારે એટલે કે આજે હરિધામ છોડવાનો નિર્ણય લઈ લીધો છે.ઉલ્લેખનીય છે કે, પ્રબોધ સ્વામીએ પોતાના સમર્થક સંતો અને સાધકો સાથે સુરત જવાની જાહેરાત કરી છે.જ્યારે 190 સાધક બહેનો પૈકી 110 સાધક બહેનોએ પણ હરિધામ સોખડા છોડીને અમદાવાદ જવાનુ નક્કી કર્યુ છે.

પવિત્રા જાનીએ પિટિશનમાં કહ્યુ હતુ કે, આ વિવાદમાં અત્યાર સુધીમાં વડોદરા ગ્રામ્ય પોલીસ સમક્ષ 18 જાન્યુઆરીએ તેમજ 14 ફેબુ્આરીએ સુરતની ઉધના પોલીસ સમક્ષ હુમલાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.બીજી તરફ હરિધામ મંદિર મેનેજમેન્ટે મંદિર પરીસરમાં જાહેર નોટિસો લગાવવામા આવી છેજેમાં જણાવવામાં આવ્યું છે કે, જે સંતો, સાધકો, સાધ્વી બહેનો અને સેવકો અગામી દિવસોમાં હિરધામ સોખડા છોડીને અન્યત્ર જવા માગતા હોય તેઓએ નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને જ જવુ. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર હરિધામ સોખડા પરિસર છોડવાની મંજૂરી મળી શકશે નહી.

Share Now