બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન ભારતીયોને વધુ સ્કીલ્ડ વિઝા આપવાની તરફેણમાં

127

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન ભારતીયોને વધુ સ્કીલ્ડ વિઝા આપવાનું સમર્થન કર્યુ છે.તેમણે ભારત અને બ્રિટનની વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (એફટીએ) અંગેની મંત્રણાની ઝડપ વધારવાના પ્રયત્નો હેઠળ આ સમર્થનની જાહેરાત કરી છે.જોહ્નસને અમદાવાદ રવાના થતા પહેલા જણાવ્યું હતું કે બ્રિટનમાં ઇન્ફરમેશન ટેકનોલોજી(આઇટી) અને પ્રોગ્રામિંગ સેક્ટરમાં નિષ્ણાતોની ભારે અછત છે.તેમણે જણાવ્યું હતું કે દેશને આ બંને ક્ષેત્રમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની જરૃર છે.બ્રિટનની સાથે કોઇ પણ એફટીએ સમજૂતી કરવા માટે ભારતે વીઝા અને લોકોની કોઇ પણ રોક ટોક વગર અવરજવરની માગ રાખી છે.બ્રિટનના વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે બહારથી લોકો બ્રિટનમાં આાવે તેનો હું હેંમેશાથી સમર્થક રહ્યો છું.બ્રિટનના અર્થતંત્ર માટે મોટા પ્રમાણમાં વિદેશી નિષ્ણાતોની જરૃર છે.આ માટે અમારે પ્રોફેશનલ વલણ અપનાવવાની જરૃર છે.યુકે હોમ ઓફિસના આંકડા અનુસાર બ્રિટન દ્વારા આપવામાં આવતા સ્કીલ્ડ વિઝા મેળવનારાઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધારે હતી.ગયા વર્ષે ૬૭,૮૩૯ સ્કીલ્ડ વિઝા ઇશ્યુ કરવામાં આવ્યા હતાં. જે ૨૦૧૯ કરતા ૧૯ ટકા વધારે છે.

બ્રિટનમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે.ઉલ્લેખનીય છે કે એફટીએ અંગેની ત્રીજા રાઉન્ડની મંત્રણા આગામી સપ્તાહમાં દિલ્હીમાં યોજાશે.બ્રિટનના વડાપ્રધાન જોહ્નસને આશા વ્યક્ત કરી છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થઇ જશે.ભારતમાં આગમન પછી પણ બ્રિટિશ વડાપ્રધાને સંકેત આપ્યા હતાં કે જો ભારત બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરશે તો બ્રિટનભારતીયોને વધુ વિઝા આપવા માટે તૈયાર છે.જો ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થશે તો બ્રિટનની ભારતમાં થતી નિકાસ વધીને બમણી થઇ જશે.આ સમજૂતીને કારણે બંને દેશો વચ્ચેનો વેપાર વર્ષ ૨૦૩૫ સુધીમાં વધીને વાર્ષિક ૨૮ અબજ પાઉન્ડને પાર થઇ જશે.૨૦૧૯માં બંને દેશોનો વચ્ચેનો વેપાર ૨૩ અબજ પાઉન્ડ હતો.

Share Now