બારડોલી : બારડોલી નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડાના તમામ કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.નગરપાલિકા દ્વારા નગરવાસીઓ પર 1 ટકા જેટલો વાહન વેરો ઝીંકવામાં આવ્યો હતો.મોંઘવારીમાં પ્રજાને વધુ એક માર પડતો આ નિર્ણયની વિપક્ષે પણ કોઈ વિરોધ ન કરતાં આશ્ચર્ય સર્જાયું હતું.બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઇના અધ્યક્ષ સ્થાને અને ચીફ ઓફિસર વિજય પરિખની ઉપસ્થિતમાં મળી હતી.બેઠકમાં નવા વાહનની ખરીદી પરના એક ટકા વાહન વેરાના મુદ્દા અંગે કોઈ ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવામાં આવ્યું હતું. આ એજન્ડાનું કામ અધ્યક્ષ સ્થાનેથી લેવામાં આવ્યું હતુ જે પ્રમુખ એટલી ઝડપથી વાંચી ગયા કે કોંગ્રેસ પણ ઊંઘતી ઝપડાય હતી અને કોંગ્રેસે પણ આ મુદ્દે કોઈ વિરોધ ન કરતાં છેવટે પ્રજા પર 1 ટકા વાહન વેરાનો ઠરાવ કોઈ પ્રકારના વિરોધ વગર પસાર થઈ ગયો હતો.બે વર્ષ અગાઉ 2020માં શાસકો વાહન વેરા અંગે ઠરાવ કરી ગયા હતા તેને સરકારમાંથી મંજૂરી મળતા આખરે બારડોલીની પ્રજા પર વાહન વેરાનો બોજ નાખવામાં આવ્યો છે.મોંઘવારીના સમયમાં લોકોને વાહન ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ ભરાવવાના ફાંફા પડી રહ્યા છે ત્યારે 1 ટકાનો નવો વાહન વેરો ઝીંકતા પ્રજાને માથે વધુ એક બોજ વધી ગયો છે.આ ઉપરાંત સામાન્ય સભામાં અસ્તાન રેલ્વે ફાટક પર રેલ્વે ઓવરબ્રિજ બનવાનો હોય નડતરરૂપ યુટિલિટીને ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.ડામર રોડનું કામ કરતી એજન્સી વેન્સી કન્સ્ટ્રક્શનનું કામ યોગ્ય ન હોવાથી તેની ડિપોઝિટ જપ્ત કરી કામ અન્ય એજન્સીને સોંપવાનું સભામાં નક્કી થયું હતું.શહેરમાં વિકાસના કામો થતાં ન હોવા અંગે વિપક્ષના ફરીદ ગજિયાએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.જો કે પ્રમુખે બે વખત ટેન્ડરિંગ કર્યા છે.પહેલી વખત કોઈ ટેન્ડર આવ્યા ન હતા અને બીજી વખત ઊંચા ટેન્ડર આવતા કામો શરૂ થઈ શક્યા ન હોવાનું જણાવ્યુ હતું.આ ઉપરાંત સ્વિમિંગપુલની ફી વધારા અને ટાઉન હૉલના ભાડા વધારા અંગે પણ એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ તેના પર કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર સંગઠને ગોખાવેલા ‘મંજૂર મંજૂર’ શબ્દો બોલી નગરસેવકોએ પોતાની જવાબદારી પૂર્ણ કરી હતી.આ શબ્દો બારડોલીની પ્રજાને પણ ભારી પડી રહ્યા હોય હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.