ઉલાનબાટાર, તા.૨૨ : એશિયન કુસ્તીમાં શાનદાર દેખાવ સાથે ફાઈનલમાં પ્રવેશેલી અંશુ મલિક જાપાનની કુસ્તીબાજ ત્સુંગુમી સામે ૦-૪થી હારી ગઈ હતી અને તેને સિલ્વર મેડલ મળ્યો હતો.મોંગોલિયામાં ચાલી રહેલી એશિયન કુસ્તીની ફ્રિસ્ટાઈલ ઈવેન્ટની ૫૭ કિગ્રા વજન વર્ગની સ્પર્ધામાં અંશુએ ભારતને સિલ્વર અપાવ્યો હતો.જ્યારે ૬૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ભારતીય કુસ્તીબાજ રાધિકાએ પણ સિલ્વર મેડલ જીત્યો હતો.ભારતે એશિયન કુસ્તીમાં બે સિલ્વર અને ૮ બ્રોન્ઝ સાથે કુલ ૧૦ મેડલ જીત્યા હતા.૨૦ વર્ષની ડિફેન્ડિંગ ચેમ્પિયન કુસ્તીબાજ અંશુ મલિકે સેમિ ફાઈનલમાં જબરજસ્ત પર્ફોમન્સ આપતાં મોંગોલિયાની બોલોર્તુયાને ૧૧-૦થી હરાવી હતી.જોકે ફાઈનલમાં તે કમાલ કરી શકી નહતી.અંશુએ આ સાથે સતત ત્રીજી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં મેડલ જીતવામાં સફળતા હાંસલ કરી હતી.તે અગાઉ ૨૦૨૦માં બ્રોન્ઝ મેડલ જીતી હતી.જ્યારે ૨૦૨૧માં તેણે અલ્માટીમાં રમાયેલી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.ગત વર્ષે તે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશનારી ભારતની એકમાત્ર કુસ્તીબાજ બની હતી. તેણે એશિયન કુસ્તીની એ પૂલની લીગ મેચમાં ઉઝબેકિસ્તાનની શોખિડા અખ્મેડોવને ૧૦-૦થી અને સિંગાપોરની ડેનિલા લિમને ૧૦-૦થી હરાવી હતી.
રાધિકાએ ફ્રિસ્ટાઈલ કુસ્તીની ૬૫ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં ઉઝબેકિસ્તાનની જુમાબાવાને, મોંગોલિયાની પુરેવ્સુરેનને અને કઝાખસ્તાનની એબેનને હરાવી હતી. જોકે જાપાનનની મોરિકાવા સામે તેનો પરાજય થયો હતો.આ કારણે રાધિકાને સિલ્વર મળ્યો હતો.જ્યારે મોરિકાવાને ગોલ્ડ મેડલ મળ્યો હતો.જ્યારે ભારતીય કુસ્તીબાજ મનીષાનો ૬૨ કિગ્રા વજન વર્ગની ઈવેન્ટમાં સેમિ ફાઇનલમાં પરાજય થયો હતો અને તેને બ્રોન્ઝ મળ્યો હતો.જાપાનની ઓઝાકી સામેની સેમિ ફાઇનલમાં મનીષા માત્ર ૪૦ સેકન્ડ જ ટકી શકી હતી.