રશિયા-બેલારુસના ખેલાડીઓ પર પ્રતિબંધનો વિમ્બલ્ડનનો નિર્ણય કોર્ટમાં પડકારવાની તૈયારી

195

લંડન, તા.૨૧ : વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપના આયોજકોએ તાજેતરમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા રશિયા અને બેલારૃસના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.જેના કારણે વર્લ્ડ નંબર ટુ મેડ્વેડેવ સહિતના ઘણા સ્ટાર ખેલાડીઓ આ વર્ષે વિમ્બલ્ડનમાં ભાગ લઈ શકશે નહીં.જોકે વિમ્બલ્ડનના આ નિર્ણયના ઘેરા પડઘા પડયા છે અને વિમ્બલ્ડનના આ નિર્ણયને કોર્ટમાં પડકારવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે.પ્રોફેશનલ મેન્સ ટેનિસની સર્વોચ્ચ સંસ્થા એટીપી અને પ્રોફેશનલ મહિલા ટેનિસ ખેલાડીઓની સર્વોચ્ચ સંસ્થા ડબલ્યુટીએને આ મામલે મોડી સાંજે જાણ કરવામાં આવી હતી.વિમ્બલ્ડન જેવી હાઈપ્રોફાઈલ અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટે લીધેલા નિર્ણયને કારણે એટીપી અને ડબલ્યુટીએમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.તેઓ વિમ્બલ્ડન ચેમ્પિયન સહિતના ખેલાડીઓને આપવામાં આવતા રેન્કિંગ પોઈન્ટમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમેરિકન ટેનિસ ખેલાડી ઓપેલ્કાએ કહ્યું કે, મને લાગી રહ્યું છે કે, ટુંક સમયમાં જ કેસ થવાનો છે.ઓસ્ટ્રેલિયાના જોન મિલમેને કહ્યું હતુ કે, જો વિમ્બલ્ડન તેનો તમામ નફો યુક્રેનને આપી દે તો તેની ખાસ્સી મદદ થશે.યુક્રેનને મદદ કરવા માટે રશિયા-બેલારુસના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાની જરુર નથી.વિમ્બલ્ડનનું આયોજન કરતી ઓલ ઈંગ્લેન્ડ કલબને આ પ્રકારના પ્રતિભાવની અપેક્ષા હતી અને તેમણે કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ પણ રાખી છે.કેટલાક ખેલાડીઓ વિમ્બલ્ડનનો બહિષ્કાર કરે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.જોકે વિમ્બલ્ડનમાં અપાતી જંગી ઈનામી રકમ પણ કોઈ જતી કરવા તૈયારી લાગતું નથી.જેના કારણે આવનારા દિવસોમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે.

રશિયા-બેલારુસના ખેલાડીઓને વિમ્બલ્ડનમાં રમવા દો : યુક્રેનની ટેનિસ ખેલાડી સ્વિટોલીના
યુક્રેનની ટેનિસ ખેલાડી સ્વિટોલીનાએ રશિયા અને બેલારૃસના ખેલાડીઓને વિમ્બલ્ડનમાં રમવાની છુટ આપવાની તરફેણ કરી છે.સ્વિટોલીનાએ કહ્યું કે, રશિયા અને યુક્રેનના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકી દેવો સાચો રસ્તો નથી.તેમને રમવાની છુટ મળવી જોઈએ.તેમને પૂછવું જોઈએ કે શું તેઓ રશિયા-બેલારુસે યુક્રેન પર કરેલા હૂમલાનું સમર્થન કરે છે ? જો તેઓ કહે કે , ના. અમે પુટિનનું સમર્થન કરતાં નથી. અમે લુકાશેન્કોની તરફેણમાં નથી.અમે યુદ્ધને યોગ્ય માનતા નથી, તો તેમને વિમ્બલ્ડનમાં ભાગ લેવા દેવો જોઈએ.

વિમ્બલ્ડનનો નિર્ણય ગાંડપણભર્યો : યોકોવિચ
વર્લ્ડ નંબર વન સર્બિયન ટેનિસ સ્ટાર યોકોવિચે રશિયા અને બેલારૃસના ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવાના વિમ્બલ્ડનના નિર્ણયને ગાંડપણભર્યો ગણાવ્યો હતો.યોકોવિચે કહ્યું કે, હું ક્યારેય યુદ્ધનો સમર્થક રહ્યો નથી.હું બાળપણમાં યુદ્ધનો ભોગ બની ચૂક્યો છું.સર્બિયામાં ૧૯૯૯માં શું થયું હતું, તે બધા જાણે છેે.બાલ્કન વિસ્તારમાં તો છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા યુદ્ધ થયા છે.આમ છતાં હું વિમ્બલ્ડનના નિર્ણયની તરફેણ કરતો નથી.મને લાગે છે કે આ ગાંડપણભર્યો નિર્ણય છે.જ્યારે રમતમાં રાજકારણ પ્રવેશે છે, ત્યારે તેના પરિણામ સારા આવતા નથી.

Share Now