જમ્મુ-કાશ્મીરને પાક. સાથે અફઘાન આતંકીઓથી પણ જોખમનો ઘટસ્ફોટ

112

જમ્મુ, તા.૨૪ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર થયા પછી વડાપ્રધાન મોદી પહેલી વખત રવિવારે જમ્મુના પ્રવાસે આવ્યા હતા.જોકે, તેમનો પ્રવાસ રદ કરાવવા માટે પાકિસ્તાની આતંકીઓ સક્રિય થયા હતા અને આતંકી હુમલાનો પ્રયાસ કર્યો હતો.સુંજવાંમાં બે દિવસ પહેલાં સીઆઈએસએફની બસ પર થયેલા હુમલા પછી માર્યા ગયેલા બે આતંકી અફઘાનિસ્તાનના પુશ્તુન હોવાનો જમ્મુ-કાશ્મીર પોલીસે ઘટસ્ફોટ કર્યો છે.આ સાથે અમેરિકન દળોની વિદાય પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ આવતા પાકિસ્તાનની સાથે હવે અફઘાન આતંકીઓથી જમ્મુ-કાશ્મીરમાં જોખમ હોવાની ભારતની આશંકાઓ હવે સાચી પડતી જોવા મળી રહી છે.જમ્મુ-કાશ્મીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના બે દિવસ પહેલાં જ સુંજવાંમાં સીઆઈએસએફની બસ પર હુમલામાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓ પાકિસ્તાની હોવાનો દાવો થયો હતો.જોકે, જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, આ આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હતા, પરંતુ હવે તેમની ઓળખ સામે આવી છે.પોલીસનું કહેવું છે કે આ બંને આતંકીઓ અફઘાનિસ્તાની આવ્યા હોવાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, સુંજવાંમાં અથડામણના એક દિવસ પહેલાં આ બંને આતંકીઓને સરહદ પાર કર્યા પછી સુંજવાં સુધી લઈ આવનારા બે લોકોની દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાંથી ધરપકડ કરાઈ છે, જેમાં ડ્રાઈવર બિલાલ અહેમદ વાગે અને તેના હેલ્પર ઈશ્ફાક ચોપાનનો સમાવેશ થાય છે.આ બંનેનું કહેવું હતું કે પાકિસ્તાનમાંથી આવેલા બંને આતંકીઓ પશ્તુન ભાષામાં વાત કરી રહ્યા હતા.તેથી તેઓ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાના રહેવાસી હતા અથવા અફઘાનિસ્તાનથી આવ્યા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.બિલાલ અહેમદ વાગે અને ચોપાન પર જૈશના બે આતંકીઓને સાંબા જિલ્લાના સુપવાલથી જમ્મુમાં સુંજવાં સુધી લાવવાનો આરોપ છે.દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાંબા પ્રવાસના બે દિવસ પહેલાં સીઆઈએસએફ પર થયેલા આતંકી હુમલા અને ત્યાર બાદની અથડામણથી સલામતી દળોની ચિંતા વધી ગઈ હતી.પાકિસ્તાની આતંકીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંબાનો તેમનો પ્રવાસ રદ કરવા મજબૂર કરવા માગતા હતા.તેના કાવતરાંના ભાગરૂપે છેલ્લા ત્રણ દિવસથી આતંકીઓ સક્રિય થયા હતા, પરંતુ આ ત્રણ દિવસમાં ભારતીય સૈન્યે જમ્મુમાં ચાર એન્કાઉન્ટરમાં ૧૦ આતંકીઓને ઠાર કર્યા હતા.

વડાપ્રધાન મોદી રવિવારે સાંબાની મુલાકાતે હતા ત્યારે પણ આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં હુમલાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સલામતી દળોએ એક અથડામણમાં લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.દક્ષિણ કાશ્મીરમાં ૨૪ કલાકમાં આતંકીઓ સામે આ બીજી અને ત્રણ દિવસમાં ચોથી અથડામણ હતી.ગુપ્ત માહિતીના આધારે સૈન્ય અને પોલીસે પુલવામા જિલ્લાના પાહુમાં ઘેરાબંદી કરીને આતંકીઓને શોધવા અભિયાન ચલાવ્યું હતું.ત્યાર પછી આતંકીઓએ સર્ચ ટીમ પર ગોળીબાર કર્યો હતો.જવાબમાં સલામતી દળોએ પણ વળતો ગોળીબાર કરતાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.
દરમિયાન પલ્લી ગામ ખાતે વડાપ્રધાન મોદીની જનસભાથી ૧૨ કિ.મી. દૂર બિશ્નાહના લલિયાના ગામમાં એક ખેતરમાંથી કેટલાક શંકાસ્પદ વિસ્ફોટકો મળ્યા હતા.પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

Share Now