એન્ટાલ્યા, તા.૨૪ : તરુણદીપ રાય અન રિધી ફોરની જોડીએ વર્લ્ડ કપ સ્ટેજ વનમાં ભારતને મિક્સ રેક્યુર્વે ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.ગોલ્ડ મેડલના શૂટઓફમાં ભારતીય જોડી એક તબક્કે પાછળ પડી ગઈ હતી.જોકે બ્રિટિશ જોડી સામેની ફાઈનલમાં તેમણે લડાયક દેખાવ જારી રાખતાં આખરે ૫-૪થી રોમાંચક જીત સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.બે વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ ચૂકેલા તરુણદીપ રાય અને રિધીની જોડી ગ્રેટ બ્રિટનના હરિફો સામે એક તબક્કે ૦-૨થી અને ત્યાર બાદ ૨-૪થી પાછળ હતા.જોકે ત્યાર બાદ તેઓએ જબરજસ્ત કમબેક કરતાં સફળતા હાંસલ કરી હતી.ભારતે આ સાથે કેલેન્ડ વર્ષની સૌપ્રથમ ઈવેન્ટમાં ડબલ ગોલ્ડ જીત્યા હતા.અગાઉ ગઈકાલે ભારતના અભિષેક વર્મા, રજત ચૌહાન અને અમન સૈનીની જોડીએ કમ્પાઉન્ડ મેન્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ફાઈનલમાં એક પોઈન્ટના અંતરથી ફ્રાન્સને હરાવ્યું હતુ.