સાંસદ નવનીત રાણા અને MLA પતિને રાજદ્રોહના મામલે 14 દિવસની જેલ

132

મુંબઈ : હનુમાન ચાલીસા વિવાદમાં મહારાષ્ટ્રના અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિ ધારાસભ્ય રવિ રાણાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની હોલિડે એન્ડ સન્ડે કોર્ટે રવિવારે આ ચુકાદો આપ્યો હતો.આ બન્ને સામે રાજદ્રોહનો ગુનો ઉમેરવામાં આવ્યો છે.તેઓ 6 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.જામીનની સુનાવણી 29 એપ્રિલે હાથ ધરાશે. વકીલે જણાવ્યું હતું કે રાણા દંપત્તિએ સરકારી તંત્રને પડકારી હતી અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ ઉચ્ચારણો કર્યા હતા.આથી તેમની સામે રાજદ્રોહની કલમ ઉમેરવામાં આવી છે.બીજી તરફ, રાણા દંપતીના વકીલ રિઝવાન મર્ચન્ટે જણાવ્યું હતું કે રાણા દંપતીએ રાજ્ય સરકાર વિરુદ્ધ નિવેદન આપ્યું હોવા અંગે સરકારી વકીલ એક પણ પુરાવા રજૂ કરી શક્યા નથી.એ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગતા હતા અને પ્રાર્થના કરવી ગુનો નથી.હનુમાન ચાલીસામાં ભગવાન શ્રીરામની સ્તુતિ કરવામાં આવી છે.જો દેશમાં હનુમાન ચાલીસા વાંચવી એ ગુનો બની ગયો હોય તો તમામ મંદિરોને તાળાં મારી દેવા જોઈએ.

મુંબઈ પોલીસે રાણા દંપતી સામે નોંધાયેલી એફઆઈઆરમાં સરકારી અધિકારીને ફરજ બજાવવાથી રોકવા માટે ફોજદારી બળનો પ્રયોગ કરવા સંબંધિત કલમ ઉમેરી છે.અલગ-અલગ જૂથો વચ્ચે નફરત ફેલાવવા બદલ પોલીસે શનિવારે સાંજે બંનેની ધરપકડ કરી હતી.ખાર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે દંપતીને રાત્રે સાંતાક્રુઝ પોલીસ લોક-અપમાં મોકલવામાં આવ્યા હતા.નવનીત રાણાને ભાયખલાની જેલમાં તો તેમના પતિને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.દરમિયાન રાણા દંપતિના નિવાસસ્થળે કથિતરીતે વિરોધ પ્રદર્શનો કરી રહેલા શિવસેનાના ૧૩ કાર્યકરોની ધરપકડ કરાઇ છે.

અગાઉ રાણા દંપતી પર ભારતીય દંડ સંહિતાની કલમ 153A (ધર્મ, ભાષા વગેરેના નામે અલગ-અલગ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવી) અને મુંબઈ પોલીસ અધિનિયમની કલમ 135 (પોલીસ દ્વારા લાગુ કરાયેલા પ્રતિબંધક આદેશોનું ઉલ્લંઘન) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.ત્યારબાદ નોંધાયેલી એફઆઈઆરમાં, કલમ 353 (સરકારી કર્મચારીને ફરજ બજાવવાથી અટકાવવા માટે ક્રિમિનલ બળપ્રયોગ અથવા હુમલો) ઉમેરવામાં આવી હતી.

Share Now