નવી િદલ્હી : વિલુપ્ત થઈ રહેલા ખડમોર અને સોનચીડિયા જેવા પક્ષીઓની પ્રજાતિના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટે ગુજરાત અને રાજસ્થાનના સરકારી અને ખાનગી વીજ ઉત્પાદકોને ૨૦ જુલાઇ પહેલાં વિસ્તારોમાં અગ્રિમતાના ધોરણે બર્ડ ડાઇવર્ટર્સ લગાવવાનું કામ પૂરું કરવા નિર્દેશ કર્યો છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ગુજરાત અને રાજસ્થાનની સરકાર તેમજ ખાનગી વીજ ઉત્પાદકોએ વ્યાપક ધોરણે આ કામગીરી ત્રણ સપ્તાહમાં પૂરી કરવી જોઇએ.જેથી ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન લાઇન્સની કુલ લંબાઇનું મૂલ્યાંકન થઈ શકે અને મહત્વના વિસ્તારોમાં જરૂરી બર્ડ ડાઇવર્ટર્સનો અંદાજ મળી શકે.જસ્ટિસ ચંદ્રચુડ, બોપન્ના અને વી રામસુબ્રમણિયનની બેન્ચે જણાવ્યું હતું કે, કોર્ટે નીમેલી ત્રણ સભ્યોની સમિતિ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) સાથે મળીને બર્ડ ડાઇવર્ટર્સ માટે જરૂરી ગુણવત્તાના ધોરણો નક્કી કરશે, જેથી સમાનતા જાળવી શકાય.બેન્ચે તાજેતરના આદેશમાં જણાવ્યું હતું કે, સુનાવણી વખતે કોઇ પણ પક્ષકારે બર્ડ ઇન્વર્ટર્સ લગાવવા સામે વાંધો લીધો નથી.કોર્ટે નોંધ્યું હતું કે, “રાજસ્થાનની કોર્ટમાં કરાયેલી અરજીમાં આ મુદ્દે લેવાયેલા પગલાંની માહિતી આપવાનો પ્રયાસ થયો છે, પણ તમામ રીતે આ પગલાં ઘણા ઓછા છે.” બેન્ચે ગુજરાત અને રાજસ્થાનના પ્રાથમિકતા ધરાવતા વિસ્તારોમાં શક્ય એટલી ઝડપથી બર્ડ ડાઇવર્ટર્સ લગાવવાનો આદેશ આપ્યો હતો.કોર્ટે ૨૦ જુલાઇ, ૨૦૨૨ પહેલાં આ કામગીરી પૂરી કરવાની તાકીદ કરી હતી.કેસમાં વધુ નિર્દેશ માટે ૨૦ જુલાઇએ આગામી સુનાવણી નિર્ધારિત કરાઈ છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, આ નિર્દેશ તમામ સરકારી અને ખાનગી વીજ ઉત્પાદકોને લાગુ થશે.ઉલ્લેખનીય છે કે, આઇએએસ ઓફિસર એમ કે રંજિતસિંહ અને અન્ય લોકોએ એડવોકેટ સોનિયા દુબે દ્વારા કરેલી અરજીના જવાબમાં આ ટિપ્પણી કરી હતી