નવી દિલ્હી : ઉપરાષ્ટ્રપતિ વૈંકૈય્યાહ નાયડુએ પક્ષાંતર વિરોધી કાનૂન અંગે ચિંતા દર્શાવી છે. તેઓએ કહ્યું કે તે કાનૂનને અસરકારક બનાવવા માટે તેમાં સંશોધન કરવું અત્યંત જરૂરી છે. રવિવારે અહીંની પ્રેસ કલબમાં નવા ભારતમાં મીડિયાની ભૂમિકા ઉપર પ્રવચન આપતાં તેમણે કહ્યું હતું કે, પક્ષાંતર વિરોધી કાનૂનમાં કેટલીક ક્ષતિઓ રહી ગઈ છે, તેમાં મોટી સંખ્યામાં પક્ષ પલટો કરવાની અનુમતિ અપાઇ છે.પરંતુ તદ્દન ઓછી સંખ્યામાં પક્ષાંતર કરવાની અનુમતિ અપાઇ નથી.તેથી લોકો મોટી સંખ્યા કરવાની દોડધામમાં લાગી જાય છે.આથી જ ચૂંટાયેલા પ્રતિનિધિ જો પાર્ટી છોડવા માંગે તો તેમણે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતાં પહેલા પોતાના પદ ઉપરથી ત્યાગપત્ર આપી દેવું જોઈએ પછી ચૂંટણી લડવી જોઈએ અને ચૂંટાઈ આવવું જોઈએ.આ સાથે નાયડુએ પક્ષાંતર સંબંધે અનેક મામલા સદનના અધ્યક્ષો, સભાપતિઓ અને અદાલતો દ્વારા વર્ષો સુધી વિલંબિત રાખવામાં આવે છે, તે પણ યોગ્ય નથી. તેમ કહેતાં જણાવ્યું હતું કે સ્થાનિક નિગમોને પણ મજબૂત કરવાની જરૂર છે.કારણ કે, તે સર્વે ભારતમાં ત્રિસ્તરીય લોકતંત્રના પાયાના ભાગરૂપે છેેે.તો ચાલો, આપણે સર્વે તે સંસ્થાઓને મજબૂત કરી તેનું સન્માન પણ કરીએ અને લોકતંત્રના તે સ્તંભો મજબૂત કરવા માટે આપણને પોતાને જ પ્રતિબદ્ધ કરીએ.આ મારી દેશની જનતાને અને વિભિન્ન સ્તરોના નેતાઓને અપીલ છે.તેમ પણ વૈંકૈય્યાહ નાયડુએ જણાવ્યું હતું.