નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2022, મંગળવાર : યુનાઈટેડ સ્ટેટસ કમિશન ઓન ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ (USCIRF)ની વાર્ષિક રિપોર્ટ રજૂ કરી દેવામાં આવી છે.ફરી એક વખત આ રિપોર્ટમાં ભારતને લઈને ધાર્મિક આધાર પર ભેદભાવ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.બીજી તરફ સૂચન આપવામાં આવ્યું છે કે, ભારતને હાલમાં વિશેષ ચિંતા વાળા દેશની શ્રેણીમાં રાખવામાં આવે.આ રિપોર્ટમાં ભાર મૂકીને કહેવામાં આવ્યું છે કે, ભારતમાં લઘુમતી સમુદાયની સાથે ભેદભાવ કરવામાં આવે છે અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગયા વર્ષે ભારત દ્વારા એ અવાજને સૌથી વધારે દબાવવામાં આવી જે સરકારની વિરુદ્ધમાં ઉઠાવવામાં આવી હતી અથવા તો લઘુમતી સમાજ તરફથી ઉઠાવવામાં આવી હતી.રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, 2021માં લઘુમતી સમાજનો અવાજ ઉઠાવનાર અથવા તેની તરફેણ કરનાર ભારત સરકાર દ્વારા વિરોધના અવાજોને દબાવી દેવામાં આવ્યા છે.તેમના પર UAPA અને દેશદ્રોહ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.એવું જાણવા મળ્યું કે, UAPA અને દેશદ્રોહના કાયદા દ્વારા ભયનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એ લોકોને ચૂપ કરાવી દેવામાં આવ્યા જે સરકારની વિરુદ્ધમાં બોલે છે.
ભીમા કોરેગામ હિંસાના આરોપીનો ઉલ્લેખ
USCIRFએ પોતાની રિપોર્ટમાં ભીમા કોરેગામ હિંસાના આરોપી સ્ટેન સ્વામીનો ઉલ્લેખ કર્યો છે જેમનું 84 વર્ષની ઉંમરમાં અવસાન થઈ ગયું હતું.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 84 વર્ષના સ્ટેન સ્વામી જેમણે લાંબા સમય સુધી આદિવાસી અને દલિત સમુદાય માટે અવાજ ઉઠાવ્યો તેમના પર ખોટી રીતે UAPA લગાવવામાં આવ્યો હતો.જૂલાઈ 2021માં કસ્ટડીમાં તેમનુ મૃત્યુ થઈ ગયું હતું.
ત્રિપુરા હિંસા અને પત્રકારો પર કાર્યવાહી
રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવનારા પત્રકારો, સામાજિક કાર્યકરોને ભારત સરકાર દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. આ લિસ્ટમાં USCIRF એ માનવઅધિકાર કાર્યકર્તા ખુરમ પરવેઝનો પણ ઉલ્લેખ કર્યો છે જેમની NIA દ્વારા ટેરર ફંડિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
ધર્મ પરિવર્તન પર બનેલા કાયદા સામે વાંધો
આ ઉપરાંત રિપોર્ટના એક ભાગમાં ભારતમાં ચાલી રહેલા ‘ધર્મ પરિવર્તન’ વિશે પણ ખુલીને વાત કરવામાં આવી હતી.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધર્માંતરણનો કાયદો ગેર હિંદુઓ વિરુદ્ધ લાગુ કરવામાં આવી રહ્યો છે જેના કારણે મુસ્લિમ, ઈસાઈ જેવા લધુમતી સમુદાયો વિરુદ્ધ હિંસા જોવા મળી રહી છે.ધર્માંતરણનો ઉલ્લેખ કરીને USCIRF દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું પણ નામ લેવામાં આવ્યું છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગયા વર્ષે જૂનમાં સીએમ યોગી આદિત્યનાથે એ લોકો વિરુદ્ધ NSA લગાવવાની વાત કરી હતી જેઓ ધર્માંતરણ કેસમાં દોષી સાબિત થશે.
CAA કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવ્યો
USCIRFએ પોતાની રિપોર્ટમાં ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા CAA કાયદાનો પણ ખુલીને વિરોધ કર્યો છે. NRC પ્રક્રિયાને લઈને પણ સવાલ ઉઠાવ્યા છે. તેને ભેદભાવપૂર્ણ ગણાવતા લખવામાં આવ્યું છે કે, આસામમાં થયેલી NRC પ્રક્રિયાને કારણે 19 લાખ લોકો લિસ્ટમાંથી બહાર થઈ ગયા હતા.
કોરોના કાળમાં મુસ્લિમો સાથે ભેદભાવ
રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે, કોરોના કાળ દરમિયાન લઘુમતી સમુદાય સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો. એક રિપોર્ટનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, ભારતમાં 2021માં 33% મુસ્લિમો એવા હતા જેમને હોસ્પિટલોમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
ખેડૂત આંદોલનનો ઉલ્લેખ, આતંકવાદી કનેક્શનનો વિવાદ
USCIRF એ પોતાના રિપોર્ટમાં કિસાન આંદોલનનો ઉલ્લેખ કરીને મોટો આરોપ લગાવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રવ્યાપી ચળવળમાં સામેલ થયેલા શીખોને ‘આતંકવાદી’ તરીકે ગણાવવામાં આવ્યા હતા.
જોકે, USCIRFની આ રિપોર્ટ પર ભારત સરકાર દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.