મુંબઈ : છેલ્લાં બે વર્ષ દરમિયાન ૩૫ ખાનગી હોસ્પિટલોએ કોવિડના દરદીઓને આપેલાં ૨૯ હજાર બિલોનું ઓડિટ કર્યા બાદ આ બિલોની કુલ રૃ.૬૧૬ કરોડની રકમમાંથી રૃ.૨૧ કરોડ કાપી નાખ્યા (અમાન્ય કર્યા) હતા.પરેશાન થયેલા દરદીઓની ફરિયાદો, પાલિકાએ બિલોનું સ્વતંત્રપણે (આપમેળે) કરેલું ઓડિટ તથા કોવિડના ઉપદ્રવ દરમિયાન દરદીઓ પાસેથી સારવારના વધુ પડતાં નાણા લેવા (ઓવરચાર્જિંગ)ના અનેક અહેવાલોને પગલે બિલોની રકમ અમાન્ય કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ખાનગી હોસ્પિટલો દ્વારા મોટી રકમનાં બિલો અપાયાની ફરિયાદો બાબતે ઝડપી કાર્યવાહી કરતાં પાલિકાએ કુલ ૩૫ ખાનગી હોસ્પિટલોનાં બિલોની ચકાસણી માટે બે ઓડિટરોની નિમણૂક કરી હતી.૨૦૨૨ના ફેબુ્રઆરી સુધીમાં પાલિકાને ઓવર ચાર્જિંગની ૪૬૨ ફરિયાદો મળી હતી.આ પૈકીની ૨૬૫ ફરિયાદોમાં વજૂદ (યોગ્ય) હોવાનું ઓડિટરોને જણાવ્યું હતું.આ બિલોની કુલ રૃ.૧૯.૬૩ કરોડની રકમમાંથી રૃ.૨.૭૩ કરોડ ઓછા (અમાન્ય) કરાયા હતા.આ ઉપરાંત ઓડિટરોએ આપમેળે ૨૮૮૦૯ બિલોનું પણ ઓડિટ કર્યું હતું.જેમાં, ખાનગી હોસ્પિટલોએ કુલ રૃ.૫૯૬.૪૭ કરોડનાં બિલોમાં રૃ.૧૮.૨૫ કરોડ વધારે લીધાનું જણાયાનું પાલિકાએ જણાવ્યું હતું.કોવિડની ત્રીજી લહેરમાં ઓછા પ્રમાણમાં લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું.જેથી અમને ઓવર ચાર્જિંગની ભાગ્યે જ કોઈ ફરિયાદ મળી હતી.પરંતુ ૨૦૨૨ના ફેબુ્રઆરી સુધીમાં ખાનગી હોસ્પિટલોના બિલોમાંથી રૃ.૨૦.૯૮ કરોડની કપાત કરાઈ છે એમ વધારાના પાલિકા કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.