નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2022, બુધવાર : દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.અમુક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.મોદી સરકાર સતત કોરોના સંક્રમણ પર નજર રાખી રહી છે અને કેન્દ્ર સરકાર આ અંગે એલર્ટ પર છે.તેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા છે.બપોરના સમયે મુખ્યમંત્રીઓ સાથે યોજાનારી આ બેઠક વર્ચ્યુઅલ હશે.PMOના અહેવાલ પ્રમાણે બપોરે આશરે 12:00 કલાકે આ બેઠક યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ સામેલ થશે.જાણવા મળ્યા મુજબ સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ કોરોનાની વર્તમાન સ્થિતિ, વેક્સિનેશનના વિસ્તાર, બુસ્ટર ડોઝ અને અમુક રાજ્યોમાં કોરોનાના કેસ અંગે પ્રેઝન્ટેશન આપશે.વડાપ્રધાન મોદીએ ટ્વિટરના માધ્યમથી આ બેઠક અંગેની જાણકારી આપી છે.વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, તેઓ બુધવારે બપોરે 12:00 કલાકે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, જમીની સ્થિતિ સમજવા માટે વડાપ્રધાન મોદીએ અગાઉ પણ અનેક વખત મુખ્યમંત્રીઓ અને જિલ્લાધિકારીઓ સાથે બેઠકો યોજેલી છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે દેશમાં કોરોનાના નવા 2,483 નવા કેસ સામે આવ્યા હતા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા પણ 15,636 થઈ ગઈ છે.તે સિવાય પોઝિટિવિટી રેટ 0.55 ટકા થઈ ગયો છે.વડાપ્રધાન મોદીએ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશની જનતાને એલર્ટ રહેવા માટે કહ્યું હતું.તેમણે લોકોને માસ્ક પહેરવા માટે અને સતત હાથ ધોતા રહેવા માટે પણ વિનંતી કરી હતી.આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં 86 ટકાથી વધારે વયસ્કોને સંપૂર્ણપણે વેક્સિનેટ કરી દેવાયા છે.