નવી દિલ્હી, તા.૨૬ : ઉત્તરાખંડના રુરકીમાં યોજાનારી ધર્મ સંસદમાં કોઈપણ પ્રકારનો હોબાળો ન થાય અને કોઈ ઉશ્કેરણીજનક ભાષણો રોકવા માટે રાજ્ય સરકારને જરૂરી પગલાં લેવા માટે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે.આ સાથે સુપ્રીમે આ માટે લેવાયેલા પગલાં અંગે મુખ્ય સચિવ પાસેથી સોગંદનામું માગ્યું છે.સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને એક સોગંદનામું દાખલ કરીને એ સ્પષ્ટ કરવા કહ્યું છે કે ધર્મ સંસદના કાર્યક્રમમાં કંઈ પણ ખોટું થતા કે ઉશ્કેરણીજનક નિવેદનો થતા રોકવા માટે પગલાં લેવાયા છે.સરકારે આ પ્રકારના ઘટના અને અસ્વીકૃત ભાષણો રોકવા જોઈએ.સુપ્રીમ કોર્ટની બેન્ચે ઉમેર્યું કે, હેટ સ્પીચ રોકવામાં નહીં આવે તો જવાબદાર મુખ્ય સચિવ હશે અને તેમને કોર્ટનું તેડું મોકલાશે.આ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ.ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણના એક કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ એ. એમ. ખાનવિલકરે કહ્યું કે, સરકાર તરફથી વિશ્વાસ અપાયો છે, પરંતુ હકીકતમાં તેની અસર જોવા નથી મળતી.સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના મુખ્ય સચિવને નિર્દેશ આપ્યા છે કે તેઓ જાહેરરૂપે એ વાતનો સ્વીકાર કરે કે રુરકીમાં બુધવારે યોજાનારી ધર્મ સંસદમાં કોઈપણ અપ્રિય નિવેદનો કરવામાં નહીં આવે.જસ્ટિસ એ.એમ. ખાનવિલકરના અધ્યક્ષપદે ત્રણ જજોની બેન્ચમાં જસ્ટિસ અભય એસ.ઓકા અને સી.ટી. રવિકુમારનો સમાવેશ થાય છે.ઉત્તરાખંડના રુરકીમાં બુધવારે મહાપંચાયતનું આયોજન થવાનું છે.આ પહેલા અનેક રાજ્યોમાં ધર્મ સંસદનું આયોજન થઈ ચૂક્યું છે.આ આયોજનોમાંથી હિમાચલ પ્રદેશના ઉના, ઉત્તર પ્રદેશના હરિદ્વાર અને દિલ્હીમાં થયેલી ધર્મ સંસદમાં ઉશ્કેરણીજનક ભાષણ અપાયાનો આરોપ મૂકાયો છે.ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં હરિદ્વારમાં ત્રણ દિવસની ધર્મ સંસદ યોજાઈ હતી.ત્યાં એક સમાજના સભ્યોને નિશાન બનાવીને ઉશ્કેરણીજનક નિવેદનો અપાયા હતા.ધર્મ સંસદમાં ભડકાઉ ભાષણનો એક વીડિયો વાઈરલ થયા પછી હોબાળો મચી ગયો હતો.આ ધર્મ સંસદમાં એક વક્તાએ વિવાદાસ્પદ ભાષણ આપતા કહ્યું હતું કે ધર્મની રક્ષા માટે હિન્દુઓએ હથિયાર ઉઠાવવાની જરૂર છે.વક્તાએ કહ્યું હતું કે, કોઈપણ સ્થિતિમાં દેશમાં મુસ્લિમ વડાપ્રધાન ના બને. વધુમાં આપણે મુસ્લિમ વસતીમાં વધારો રોકવો જોઈએ.