યુક્રેનને અમેરિકા-બ્રિટનની સૈન્ય સહાય પરમાણુ યુદ્ધ નોંતરી શકે : લાવરોવની ધમકી

124

કીવ : યુક્રેન પર રશિયાના આક્રમણને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ યુદ્ધના અંત અથવા શાંતિ સ્થપાવાની કોઈ શક્યતા જોવા મળતી નથી.રશિયાએ યુક્રેનના પૂર્વીય અને દક્ષિણી ભાગો પર હુમલા વધાર્યા છે.બીજીબાજુ રશિયાનો સામનો કરવા માટે અમેરિકા અને બ્રિટન સહિતના દેશોએ યુક્રેનને સૈન્ય સહાય વધારી છે.વધુમાં યુક્રેનનું સૈન્ય રશિયાને હરાવી શકે છે તેવા અમેરિકાના નિવેદનથી રશિયા ઉશ્કેરાયું છે.તેણે વધુ એક વખત યુક્રેન યુદ્ધ ત્રીજા વિશ્વયુદ્ધ, પરમાણુ યુદ્ધમાં પરિવર્તિત થવાના જોખમની ચેતવણી આપી છે.રશિયન સમાચાર એજન્સી સાથે વાત કરતાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુક્રેન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ જવા અંગે કીવના દૃષ્ટિકોણની ટીકા કરતા કહ્યું કે, ત્રીજા વિશ્વ યુદ્ધનું જોખમ ‘વાસ્તવિક’ છે અને ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તો પરમાણુ યુદ્ધ પણ નિશ્ચિત છે, જે વધુ ભયાનક હશે.

તેમણે કહ્યું કે, યુક્રેન સાથે શાંતિ મંત્રણા ચાલુ રહેશે.જોકે, લાવરોવે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી પર વાતચીતનું ‘નાટક’ કરવાનો આક્ષેપ કરતા કહ્યું કે તેઓ એક સારા અભિનેતા છે.તમે ધ્યાનથી જૂઓ તો ખ્યાલ આવશે કે તેમની વાતોમાં સેંકડો વિરોધાભાસ છે.લાવરોવે યુક્રેનને અમેરિકા અને બ્રિટનની સૈન્ય સહાય સામે પણ ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, અમેરિકા અને બ્રિટન તેમજ પશ્ચિમી દેશોના આ પ્રકારના વલણથી યુદ્ધ અન્યત્ર ફેલાઈ શકે છે.જોકે, બ્રિટને લાવરોવની ત્રીજા વિશ્વ યુદ્ધ અને પરમાણુ યુદ્ધની ધમકીઓને ‘નર્યો દંભ’ ગણાવ્યો હતો.બ્રિટનના આર્મ્ડ ફોર્સના મંત્રી જેમ્સ હેપ્પીએ જણાવ્યું કે, રશિયા પરંપરાગત પરમાણુ શસ્ત્રોથી આક્રમણ કરે તેવી સંભાવનાઓ અત્યંત ઓછી છે.રશિયાની આ ધમકીઓ નાટો સાથે તેના સંઘર્ષ જેવી જ પોકળ છે.

દરમિયાન રશિયા સામે લડવા માટે અમેરિકા અને બ્રિટનની સાથે હવે જર્મનીએ પણ યુક્રેનને ભારે હથિયારો પૂરા પાડવાની તૈયારી દર્શાવી છે.જર્મનીએ તેની નીતિઓમાં મોટું પરિવર્તન લાવતા યુક્રેનને એન્ટી-એરક્રાફ્ટ ટેન્કોની ડિલિવરીને મંજૂરી આપી છે.જર્મન સંરક્ષણ મંત્રી ક્રિસ્ટિન લેમ્બ્રેશ્ટે કહ્યું કે, તેમની સરકારે જર્મન કંપની ક્રૌસ-માફે વેગમાનને ‘જીપાર્ડ’ ટેન્કો યુક્રેન મોકલવા મંજૂરી આપી દીધી છે.રશિયાના આક્રમણ સામે યુક્રેનની સંરક્ષણ ક્ષમતા વધારવા જર્મનીમાં રામસ્ટેન યુએસ એરબેઝમાં અમેરિકા દ્વારા આયોજિત ૪૦ દેશોની સંરક્ષણ પરિષદમાં જર્મનીએ આ જાહેરાત કરી હતી.

રશિયા સામે લડવા માટે યુક્રેનના સૈન્યને મદદ કરવા માટે યુક્રેનના નાગરિકો પણ આગળ આવ્યા છે.યુક્રેનના ૯,૦૦૦થી વધુ નાગરિકોએ મિલિટ્રી બોન્ડમાં રોકાણ કર્યું છે.નેશનલ બેન્કે યુદ્ધના સમયમાં અર્થતંત્રને સહાયરૂપ થવા માટે મિલિટ્રી બોન્ડ મારફત અંદાજે ૧૩ અબજ ડોલર જેટલું ભંડોળ એકત્ર કર્યું છે.દરમિયાન બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, રશિયન દળોએ કેટલાક દિવસો સુધી રસ્તા પરની લડાઈ પછી લુહાન્સ્ક પ્રાંતમાં ક્રેમિન્ના પર કબજો જમાવ્યો છે.ઉપરાંત રશિયન દળો ઉત્તર અને પૂર્વમાંથી સ્લોવૈન્સ્ક અને ક્રામાતોર્સ્ક શહેરોમાં રશિયન દળો આગળ વધી રહ્યા છે.દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી એન્ટોનિઓ ગુટરેસે મોસ્કોમાં રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથેની મુલાકાત પછી યુક્રેનમાં યુદ્ધ વિરામની હાકલ કરી હતી.લાવરોવ સાથે બેઠક પછી ગુટરેસ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિનને પણ મળે તેવી શક્યતા છે.રશિયાની મુલાકાત પછી ગુટરેસ આ સપ્તાહે કીવની મુલાકાત લેશે અને યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે બેઠક કરશે.

Share Now