ભારતમાં ઈર્ષ્યાળુ લોકોની એક ગેંગ હંમેશાં ઈચ્છતી કે, હું નિષ્ફળ જાંઉઃ રવિ શાસ્ત્રી

174

લંડન, તા.૨૬ : ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ ઈંગ્લિશ મીડિયામાં આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, જ્યારે હું કોચ બન્યો ત્યારે ઈર્ષ્યાળુઓની એક ગેંગ મારી નિષ્ફળતાની રાહ જોતી. તેના જ કારણે મેં મારી ‘ચામડી જાડી’ કરી લીધી હતી.ડયુક બોલ કરતાં પણ મારી ચામડી વધુ જાડી અને કઠણ થઈ ગઈ હતી.શાસ્ત્રીએ આ પ્રકારની કોમેન્ટ કરતાં તેના ટીકાકારો પર નિશાન સાધ્યું હતુ.’જાડી ચામડી’થી તેનો કહેવાનો અર્થ એ હતો કે, મને તેમની ટીકાની કે તેમના આકરા શબ્દોની કોઈ અસર થતી નહતી.ઈંગ્લેન્ડે નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર રોબ કી ની નિયુક્તિ કરી છે.તાજેતરની નિષ્ફળતાને પગલે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે તેના મેનેજિંગ ડાયરેકટર એશ્લી જાઈલ્સ, કોચ બાયલીસ અને કેપ્ટન રુટને વિદાય આપી છે.નવા ડાયરેક્ટર રોબ કી પણ છેલ્લા કેટલાક વર્ષોથી કોમેન્ટેટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા હતા.તેમની પાસે કોચિંગની કોઈ ડિગ્રી નથી, પણ ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે તેમને તક આપી છે.

અગાઉ શાસ્ત્રી પણ કોમેન્ટેટરમાંથી અચાનક ટીમના ડાયરેક્ટર તરીકે જોડાયો હતો અને ત્યાર બાદ તેણે કોચની ભૂમિકા પણ સંભાળી હતી.ટીમના ડાયરેક્ટર બનવામાં શાસ્ત્રી અને કી માં ઘણી સમાનતા છે.જેના પરિણામે શાસ્ત્રીએ ધ ગાર્ડિયન સાથેની મુલાકાતમાં કહ્યું હતુ કે, હું જ્યારે ટીમના ડાયરેક્ટર તરીકે જોડાયો ત્યારે મારી પાસે કોઈ કોચિંગ કોર્સના કોઈ બેજીસ નહતા.તેમાં ય ભારત જેવા દેશમાં તો ઈર્ષ્યાળુઓની એક એવી ગેંગ હતી કે, જે સતત ઈચ્છતી કે હું નિષ્ફળ રહું.આ કારણે મેં મારી ચામડી જાડી કરી લીધી હતી.તમે ઉપયોગમાં લો છો તેવા ડયુક બોલ કરતાં પણ વધુ જાડી !શાસ્ત્રીએ ઊમેર્યું કે, રોબ પણ થોડા સમયમાં જ મારી જેમ જાડી ચામડીનો થઈ જશે.કારણ કે દરરોજ તમારું મૂલ્યાંકન થતું રહે છે.મને લાગે છે કે, તેની પાસે કેન્ટ કાઉન્ટના કેપ્ટન તરીકેનો બહોળો અનુભવ છે.જે તેને ઉપયોગી થશે.આ બધામાં સૌથી મહત્વનો ખેલાડીઓ સાથેનો સંવાદ છે.

રોબ કી ને સલાહ આપતાં ભારતના ભૂતપૂર્વ કોચે ઊમેર્યું કે, તેણે આક્રમક મિજાજ સાથે ખેલાડીઓ પર પ્રભાવ પાડવો પડશે અને તેમને નિર્ધારિત લક્ષ્ય તરફ આગળ વધવા માટે તૈયાર કરવા પડશે.શાસ્ત્રીએ રૃટના અનુગામી તરીકે સ્ટોક્સ પર પસંદગી ઢોળી હતી.તેણે રોબ કીને એવી પણ સલાહ આપી હતી કે, તેણે વિદાય લઈ ચૂકેલા કેપ્ટન રુટ સાથે ચર્ચા કરીને ટીમની સમસ્યાઓ સમજવી જોઈએ.શાસ્ત્રીએ કહ્યું કે, ટીમને કેવી રીતે રમવાનું છે, તે અંગેની રુપરેખા તૈયાર કરવી જરુરી છે.ખાસ કરીને આક્રમક અને કઠોર રહેવું જરુરી છે.ફિટનેસ લેવલમાં સુધારો કરવાની સાથે વિદેશમાં ૨૦ વિકેટ ઝડપી શકે તેવા ફાસ્ટ બોલરોનું ગૂ્રપ તૈયાર કરવું પડશે.ખાસ કરીને માનસિકતા ખુબ જ જરુરી છે.ખાસ કરીને ઓસ્ટ્રેલિયનો સામે રમવાનું હોય ત્યારે હું મારા ખેલાડીઓને કહેતો કે, જો તેઓ તમને અપશબ્દો કહે તો તેમને તેમની જ ભાષામાં – તેમના જ અંદાજમાં જવાબ આપજો.

Share Now