અમદાવાદ,તા. 27 એપ્રિલ 2022,બુધવાર : Russia Halts Gas Supply to Poland, Bulgaria : વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસના નિકાસકાર રશિયાએ અંતે યુક્રેનની મદદ કરી રહેલ દેશો પર પ્રતિબંધો લાદતા ફરી વૈશ્વિક કોમોડિટી બજાર હમમચી ઉઠ્યું છે. યુક્રેન યુદ્ધ(Ukraine War)માં શરૂઆતથી જ ખુલીને પોલેન્ડનું સમર્થન પુતિનની નજરમાં હતુ જ અને પોલેન્ડે યુક્રેનને યુદ્ધ લડવા માટે અનેક હથિયાર, આ સપ્તાહે ટેન્કો આપતા પુતિન ગુસ્સે ભરાયા છે અને પોલેન્ડ પર પ્રતિબંધો લાદ્યા છે.રશિયાએ કડક વલણ અપનાવીને પોલેન્ડ અને બલ્ગેરિયાને ગેસ(Russia Natural Gas)નો સપ્લાય અટકાવવાનો નિર્ણય કર્યો છે.ગત મહિને પુતિને રશિયા પાસેથી તેલ-ગેસ ખરીદનારા દેશોને સ્પષ્ટ આદેશ કર્યો હતો કે રશિયન કરન્સી રૂબલમાં જ ચૂકવણી(Ruble Payment) કરવાની રહેશે. જોકે યુરોપિયન દેશોએ પુતિનની આ વાત માનવાનો ઈનકાર કરી દીધો હતો.જેને પગલે હવે પુતિને કડકાઈ રાખીને યમલ કોન્ટ્રાકટ હેઠળ નિર્ધારિત કરેલ ગેસ સપ્લાય રોકવાનો નિર્ણય લીધો છે.આ અહેવાલ બાદ કુદરતી ગેસના બજારમાં ભડકો જોવા મળ્યો છે.યુરોપિયન નેચરલ ગેસનો ભાવ બુધવારે સવારના સત્રમાં 24% ઉંચકાયો છે.યરોપિયન બજારમાં બેંચમાર્ક ઈન્ડેકસ 24% ઉંચકાઈને 1લી એપ્રિલ બાદ પ્રથમ વખત 127.50 યુરો પ્રતિ મેગાવોટ હવરના રેકોર્ડ લેવલે પહોંચ્યું છે.
પોલેન્ડ અને બલ્ગેરિયાએ સ્વીકાર્યું છે કે રશિયાની દિગ્ગજ એનર્જી કંપની ગાજપ્રોમ (Gazprom)એ ગેસ સપ્લાય અટકાવી દીધો છે.પોલેન્ડની ગેસ કંપની PGNIGએ જણાવ્યું કે, રશિયાએ યમલ-યુરોપ પાઈપલાઈન દ્વારા થતી ગેસની ડિલિવરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.જ્યારે બલ્ગેરિયાના ઉર્જા મંત્રાલયના કહેવા પ્રમાણે રશિયા તુર્કસ્ટ્રીમ પાઈપલાઈન દ્વારા બલ્ગેરિયાને પહોંચતો ગેસનો પુરવઠો બંધ કરી રહ્યું છે.
શું છે રૂબલ પેમેન્ટ વિવાદ :
રશિયા-યુક્રેન વિવાદ પૂર્વે તમામ યુરોપીય દેશો આશરે 60 ટકા ચુકવણી યુરો દ્વારા અને બાકીની ડોલરમાં કરતા આવ્યા હતા.યુક્રેન સાથેના વિવાદ બાદ પુતિને આ ચૂકવણી સંપૂર્ણપણે રૂબલ દ્વારા કરવાની માંગણી કરી હતી.આ મામલે યુરોપિયન દેશના નેતાઓએ તેને પૂર્વ નિર્ધારિત શરતનું ઉલ્લંઘન ગણાવીને તેઓ રૂબલ દ્વારા પેમેન્ટ નહીં કરે તેમ કહ્યું હતું.પોલેન્ડ વાર્ષિક 9 બિલિયન ક્યુબિક મીટર જેટલા રશિયન ગેસની આયાત કરે છે.તેના દ્વારા દેશની આશરે 45 ટકા જરૂરિયાત પૂર્ણ થાય છે.
યુરોપિયન દેશોનું વલણ ઝુંક્યું
રશિયાએ બે દેશો પર આકરા પ્રતિબંધો લાદતા અન્ય યુરોપિયન દેશો સફાળા જાગ્યા છે અને રૂબલમાં ચૂકવણીમાં સહમત થયા છે.અહેવાલ અનુસાર હંગરીએ ગાજપ્રોબેંકમાં યુરો સામે રૂબલ આપીને રશિયન ગેસ માટે રૂબલમાં જ ચૂકવણી કરશે.આ સિવાય ઓસ્ટ્રિયા અને ઓસ્ટ્રેયિયન OMVએ પણ રશિયન ગેસનું રૂબલમાં પેમેન્ટ કરવાની તૈયારી દર્શાવી છે.કડક વલણ અપનાવતા જર્મનીએ પણ હવે અંતે ઢીલાશ રાખીને ગેસની ચૂકવણી રૂબલમાં કરવાની તૈયારી દર્શાવી છે.