નવી દિલ્હી : દેશભરમાં ગરમીનો પારો વધી રહ્યો છે.કેટલાક રાજ્યોમાં તાપમાન હવે ૪૫ ડીગ્રીને પાર પહોંચવા લાગ્યું છે.રાજસ્થાનના વનસ્થળીમાં તાપમાન ૪૫.૪ ડિગ્રી નોંધાયુ હતું જ્યારે બિકાનેર અને ફાલોદીમાં પણ ૪૫.૨ ડિગ્રી તાપમાન રહ્યું છે.રાજ્યના મોટા ભાગના સ્થળોએ તાપમાન ૪૪ ડિગ્રીથી વધુ રહ્યું હતું, જેને પગલે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.આગામી ચારથી પાંચ દિવસ તાપમાન વધી શકે છે અને હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે.રાજસ્થાનની જેમ જ દિલ્હીમાં પણ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો વધારો થયો હતો.દિલ્હીના સફદરજંગમાં મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી રહ્યું જ્યારે પિતમપુરામાં ૪૩.૬ ડિગ્રી, મુંગેશપુરમાં ૪૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ગુરુવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી છે.જ્યારે હવામાન વિભાગે એવી ચેતવણી આપી છે કે દિલ્હીનું મહત્તમ તાપમાન આગામી દિવસોમાં વધીને ૪૬ ડિગ્રીએ પણ પહોંચી શકે છે.સાથે જ હીટવેવની પણ આગાહી આપવામાં આવી છે.બપોરના સમયે લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.
એક તરફ ભારે ગરમી છે ત્યારે કેટલાક રાજ્યોમાં વિજસંકટની સ્થિતિ છે.ખાસ કરીને પૂર્વના રાજ્યોમાં વિજળી કટોકટી સર્જાઇ હતી.ઓડિશા, બિહાર, ઝારખંડમા ંતાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોચી ગયો છે ત્યારે આ રાજ્યોમાં અનેક શહેરો અને ગામડાઓમાં કલાકો સુધી વિજળી ગુલ રહેવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. કોલસાની અછતને કારણે વિજ કટોકટી જોવા મળી રહી હોવાનું આ રાજ્યોએ કહ્યું હતું.ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીના પત્ની કે જેઓ ઝારખંડ સાથે જોડાયેલા છે તેઓએ પણ વિજળી ગુલ થવા અંગેની ફરિયાદ સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.ઓડિશામાં પણ ઝારખંડ જેવી જ સ્થિતિ છે.જેને પગલે રાજ્ય સરકારે લોકોએ એસીનો ઉપયોગ ઓછો કરવાની વિનંતી કરવી પડી હતી.રાજ્યના વિજળી વિભાગે લોકોને વિનંતી કરી છે કે તેઓ સાંજે સાત વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા દરમિયાન એસીનો ઓછો ઉપયોગ કરે.ઓડિશામાં હાલ ૫૨૦૦થી ૫૪૦૦ મેગાવોટ વિજળીની માગ છે જ્યારે તેની સામે માત્ર ૪૮૦૦ મેગાવોટનું જ ઉત્પાદન થઇ રહ્યું છે.ગરમી વધતા વિજળીની ખપત પણ વધવાથી માગ સાથે પુરવઠો ઓછો પડી રહ્યો છે.બિહારમાં પણ વિજળીની અચાનક માગ વધતા દરરોજ ૨૦૦થી ૩૦૦ મેગાવોટ વિજળીની અછત જોવા મળી રહી છે.