(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. ૨૭ : પાકિસ્તાનને અમેરિકા સાથે દુશ્મની રાખવી કોઇ પણ સ્થિતિમાં પરવડી શકે તેમ નથી તેમ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે જણાવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની દોષપૂર્ણ વિદેશ નીતિને કારણે દેશથી દૂર થયેલા તમામ સહયોગીઓ અને મિત્રો સાથે સંબધ સુધારવા પર ભાર મૂકવામાં આવશે.શરીફે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઇમરાન ખાનની પાકિસ્તાન તેહરિકે ઇન્સાફ (પીટીઆઇ) પાર્ટીના નેતૃત્ત્વવાળી સરકારે એવા તમામ દેશોને નારાજ કરી દીધા હતા કે જેમણે મુશ્કેલ સમયમાં હંમેશા પાકિસ્તાનની મદદ કરી હતી. તેમણે આ સંબધમાં ચીન, કતર, સઉદી અરેબિયા અને અમેરિકાનો ઉલ્લેખ કર્યો હતો.શેહબાઝ શરીફે વધુમાં જણાવ્યું છે કે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે પેદા થયેલા અવિશ્વાસને દૂર કરવાની જરૃર છે અને બંને દેશોએ એ જોવાની જરૃર છે કે તેમનાથી ભૂતકાળમાં કોઇ ભૂલ થઇ છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શરીફે વડાપ્રધાન નિવાસસ્થાને આયોજિત એક ઇફતાર પાર્ટીમાં પત્રકારોએ પૂછેલા પ્રશ્રના જવાબમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને અમેરિકા સાથે દુશ્મની રાખવી કોઇ પણ સ્થિતિમાં પરવડી શકે તેમ નથી.આ દરમિયાન પાકિસ્તાનનર્કોર્ટે ૧૪ અબજ ડોલરના મની લોન્ડરિંગ કેસમાં વડાપ્રધાન શેહબાઝ શરીફ અને તેમના પુત્ર અને પંજાબના મુખ્યપ્રધાન હમઝા શેહબાઝના ધરપકડ પૂર્વેના જામીનની મુદ્ત ૧૪ મે સુધી વધારી દીધી છે.