લંડન, તા.૨૬ : કોરોનાની વેક્સિન ન લેવાના કારણે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ગુમાવનારા વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચને ઓલ ઈંગ્લેન્ડ કલબે રાહત આપી છે.વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમમાં રમવા માટે ખેલાડીએ કોરોનાની વેક્સિન લીધી હોવી જ જોઈએ તેવો નિયમ દૂર કરવામાં આવ્યો છે.જેના કારણે વેક્સિન ન લેનારા ખેલાડીઓ પણ આ વર્ષે વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપમાં રમી શકશે.આ કારણે વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચ વિમ્બલ્ડનમાં તેનું ટાઈટલ જાળવી રાખવા માટે ઉતરશે.અગાઉ પેરિસમાં યોજાનારી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમના આયોજકોએ પણ કોરોના અંગેના નિયંત્રણો પડતા મૂક્યા હતા.જેના કારણે યોકોવિચ માટે ક્લે કોર્ટ પર યોજાતી ગ્રાન્ડ સ્લેમમાં રમવા માટેના દરવાજા ખુલ્યા હતા.વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમમાં આ વર્ષે કોરોના અંગેના કોઈ પણ નિયંત્રણો નહીં હોય.છેલ્લા બે વર્ષથી કોરોનાનો પ્રભાવ વિમ્બલ્ડન પર જોવા મળ્યો હતો.વર્ષ ૨૦૨૦માં તો વિમ્બલ્ડન ટુર્નામન્ટ જ રદ કરવામાં આવી હતી.જ્યારે ૨૦૨૧માં નિયંત્રણો વચ્ચે વિમ્બલ્ડનનું આયોજન થયું હતુ.૨૦ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકેલા યોકોવિચે સ્પષ્ટ કરી દીધું છે કે, તે કોઈ પણ ટુર્નામેન્ટમાં રમવા માટે કોરોનાની વેક્સિન મૂકાવાનો નથી.
જોકે વિમ્બલ્ડન આ વખતે ફરજીયાત વેક્સિનનો નિયમ જ પડતો મૂકતા યોકોવિચે રાહત અનુભવી છે.૩૪ વર્ષનો યોકોવિચ ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન બંનેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરશે.ફ્રાન્સે પણ ફરજીયાત વેક્સિનનો નિયમ પડતો મૂક્યો છે.જેના કારણે યોકોવિચ માટે ફ્રેન્ચ ઓપનમા રમવાનું આસાન બન્યું હતુ.અલબત્ત, વિમ્બલ્ડનની આયોજક ઓલ ઈંગ્લેન્ડ કલબના પ્રમુખ ઈયાન હેવિટ્ટે કહ્યું કે, અમને યુકે સરકારની માર્ગદર્શિકા મળી હતી.જે અંગે અમે ગહન વિચારણા અને ચર્ચા કર્યા બાદ રશિયા અને બેલારૃસના ખેલાડીઓને વિમ્બલ્ડનમાં ભાગ લેવા ન દેવાનો નિર્ણય લીધો હતો.ચાલુ વર્ષના પ્રારંભે યોકોવિચને કોરોનાની વેક્સિન ન લીધી હોવાના કારણે ઓસ્ટ્રેલિયામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.