વડોદરા : વડોદરામાં ડ્રગ્સ સપ્લાય કરવાના નેટવર્કનું પગેરૃં મુંબઇ પહોંચતા પોલીસની એક ટીમ મુંબઇ જઇ ત્યાંની પોલીસની મદદ લેશે.પોલીસે ડ્રગ્સ સપ્લાયર મોહંમદ યુસુફ મકરાણીને કોર્ટમાં રજૂ કરી તા.૩ સુધી રિમાન્ડ મેળવ્યા છે.ન્યુ સમા રોડ વિસ્તારની અરવિંદબાગ સોસાયટીમાં એસઓજીની ટીમે દરોડો પાડી રૃ.૭.૨૨ લાખની કિંમતના પાર્ટી ડ્રગ્સ સાથે હિમાંશુ પ્રજાપતિ અને તેની પાસે ડ્રગ્સ લેવા આવેલા ડિપ્લોમા એન્જિનિયર વિજય પ્રજાપતિને ઝડપી પાડયા હતા.બંનેને રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં ડ્રગ્સ સપ્લાય કરનાર હાલોલના મોહંમદ યુસુફ મકરાણીનું નામ ખૂલ્યું હતું.જેથી પોલીસની ટીમે હાલોલ રોડ પર દરોડો પાડી મકરાણીને દબોચી લીધો હતો.પોલીસે ડ્રગ્સ કૌભાંડમાં પકડાયેલા ત્રણેય જણાના મોબાઇલ કબજે લીધા હતા.મકરાણીએ મુંબઇ ખાતે રહેતા તેના પુત્ર વસિમ પાસે ડ્રગ્સ મંગાવ્યું હોવાની વિગતો ખૂલતાં એસઓજીની એક ટીમ મુંબઇ પોલીસની મદદ લેશે.વસિમ અગાઉ પણ વડોદરાના ડ્રગ્સ કેસમાં નામ ખૂલ્યું હોવાથી તે ક્યાંથી ડ્રગ્સ મેળવીને પહોંચાડતો હતો તે કડી શોધવા પોલીસે મથામણ શરૃ કરી છે.