વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજે મહીસાગરમાં બે કિશોર વયના ભાઇબહેન ડૂબી ગયા હોવાનો બનાવ બનતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.ડબકા પાસે આજે બપોરે ઢોર ચરાવવા ગયેલા કિશોર વયના બે ભાઇ બહેન મહીસાગરમાં ઢોરોને પાણી પીવડાવવા માટે ગયા તે દરમિયાન પાણીના વહેણમાં તેઓ તણાયા હોવાની વિગતો જાણવા મળી છે.ઉપરોક્ત બનાવને પગલે સ્થાનિક તરવૈયાઓ શોધખોળના કામે લાગતાં સાત વર્ષીય ભાઇનો મૃતદેહ મળ્યો હોવાની વિગતો જાણવા મળી છે.જ્યારે,પાયલ નામની ૧૦ વર્ષની બહેનનો કોઇ પત્તો નહીં લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.મકરપુરા ફાયર બ્રિગેડના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે,સામાન્ય રીતે ફાયર બ્રિગેડ દ્વારા ડૂબેલાઓના કિસ્સામાં અંધારામાં કામગીરી કરવામાં આવતી નથી.પરંતુ ઉપરોક્ત બનાવની ગંભીરતા જોતાં ફાયર બ્રિગેડની ટીમે મોડીરાતે નદીમાં બોટ ઉતારી શોધખોળ શરૃ કરી હતી.
નદીમાં ભરતી આવતાં બંને ભાઇ બહેન બહાર નીકળી ના શક્યા
વારંવાર ડૂબવાના બનાવો બનતા હોવા છતાં પાલિકા જાગતી નથી
પાદરા તાલુકામાં વારંવાર ડૂબવાના બનાવો બનતા હોવા છતાં નગર પાલિકા દ્વારા રેસ્ક્યૂ ટીમ રાખવામાં આવી નથી.પાદરા તાલુકાના અગ્રણી નિલેશસિંહ જાદવે ક્હયું હતું કે,આજે બપોરે બંને ભાઇ-બહેન ઢોરોને પાણી પીવડાવા માટે નદીમાં ઉતર્યા ત્યારે એકાએક ભરતી આવતાં પાણી વધી ગયું હતું.જેથી બંને ભાઇબહેન ડૂબ્યા હતા.પાદરા નગર પાલિકા પાસે પૂરતી વ્યવસ્થા નહીં હોવાને કારણે વડોદરા ફાયર બ્રિગેડ પર મદાર રાખવો પડે છે.આજે પણ ડૂબેલા ભાઇ બહેનને શોધવા માટે બે કલાકે વડોદરા ફાયર બ્રિગેડની મદદ મળી હતી.