ભારતમાં ઓફસેટની જરૂરિયાતો સંરક્ષણ વેપારમાં મોટો અવરોધ : લોર્ડ

390

વોશિંગ્ટન, તા.૨૮ : ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે વેપારની મોટી તકો છે, પરંતુ પડકારો પણ એટલા જ મોટા છે.ભારતની ઓફસેટ જરૂરિયાતો અમેરિકા સાથે સંરક્ષણ વેપાર માટે મોટો અવરોધ છે.તેથી જ ભારત સાથે સંપૂર્ણ સંરક્ષણ સોદા મેળવવા અમેરિકા સક્ષમ નથી તેમ પેન્ટાગોનના એક ભૂતપૂર્વ મહિલા અધિકારીએ અમેરિકન સંસદને જણાવ્યું હતું.
ભારત અને અમેરિકા વચ્ચે ગાર્ડિયન ડ્રોન સહિત અનેક મહત્વના અબજો ડોલરના સંરક્ષણ સોદાઓની સંભાવના છે ત્યારે પેન્ટાગોનમાં અગાઉ અવર સેક્રેટરી ઓફ ડિફેન્સ ફોર એક્વિઝિશન એન્ડ સસ્ટેનમેન્ટ (એએન્ડએસ)ના રૂપમાં કાર્યરત ભૂતપૂર્વ મહિલા અધિકારી એલન લોર્ડે અમેરિકન સંસદની સશસ્ત્ર સેવા સમિતિના સભ્યોને જણાવ્યું હતું કે, આપણને ભારત પાસેથી અપેક્ષા હતી તેવા સલામતી કરારો આપણે ક્યારેય મેળવી નહીં શકીએ.આપણી સામે ભારતે ખરીદેલી રશિયન એન્ટી-એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ એસ-૪૦૦ જેવા પડકારો છે.વધારામાં ભારતમાં કારોબાર કરવો પણ મુશ્કેલ છે.ભારતના સ્થાનિક વ્યવસાયોની કારોબારની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતા ઘણી વિશાળ છે, જે આપણા માટે સમસ્યારૂપ છે.
ભારતની ઓફસેટ નીતિ હેઠળ વિદેશી સંરક્ષણ એકમોએ રૂ. ૨,૦૦૦ કરોડ અથવા વધુના મૂલ્યના બધા જ કોન્ટ્રાક્ટ માટે ભારતમાં કોમ્પોનન્ટની ખરીદી, ટેક્નોલોજી ટ્રાન્સફર અથવા રિસર્ચ અને ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓ શરૂ કરીને કોન્ટ્રાક્ટના મૂલ્યમાંથી લગભગ ૩૦ ટકા ખર્ચ કરવો ફરજિયાત છે. છેલ્લા દાયકામાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સોદાનું મૂલ્ય લગભગ શૂન્યથી વધીને ૧૮ અબજ ડોલર થયું છે.બોઈંગ, લોકહીડ માર્ટીન અને જનરલ એટોમિક્સ જેવી મોટી અમેરિકન કંપનીઓએ હવે ભારતીય બજાર પર નજર દોડાવી છે.પરંતુ બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદાઓને અંતિમ ઓપ આપવામાં ઘણો જ વિલંબ થાય છે તેમ ભારત અને નેપાળના પ્રવાસેથી પાછા ફરેલા સાંસદ કર્સ્ટન ગિલિબ્રાન્ડે કહ્યું હતું.તેમણે ઉમેર્યું કે, બંને દેશો અમેરિકા દ્વારા બનાવાયેલા હેલિકોપ્ટર અને અન્ય હથિયારો ખરીદવાનું પસંદ કરશે. જોકે, એલન લોર્ડે કહ્યું કે, પેન્ટાગોન અને વિદેશ વિભાગની નોકરશાહીના કારણે બંને દેશો વચ્ચે સંરક્ષણ સોદાઓમાં વિલંબ થાય છે.

Share Now