મુંબઈ, તા.૨૮ : કુલદીપની ૧૪ રનમાં ચાર અને રહમાનની ૧૮ રનમાં ત્રણ વિકેટ સહિત બોલરોની શિસ્તબદ્ધ બોલિંગ બાદ વોર્નરના ૪૨ અને પોવેલના અણનમ ૩૩ની મદદથી દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની આઇપીએલ ટી-૨૦માં ચાર વિકેટથી વિજય મેળવ્યો હતો.જીતવા માટેના ૧૪૭ના ટાર્ગેટ સામે દિલ્હીએ ૧૯ ઓવરમાં છ વિકેટે ૧૫૦ રન નોંધાવ્યા હતા. દિલ્હીએ આ સાથે ૮મી મેચમાં ૪ જીત હાંસલ કરી હતી.જ્યારે કોલકાતાનો સતત પાંચમી મેચમાં પરાજય થયો હતો.
જીતવા માટેના ૧૪૭ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા દિલ્હીએ માત્ર ૧૭ રનમાં શૉ (૦) અને મિચેલ માર્શ (૧૩)ની વિકેટ ગુમાવી હતી.જોકે, વોર્નરે ૨૬ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૪૨ રન ફટકાર્યા હતા.તેનો સાથ આપતા લલિત યાદવે ૨૨ રન કર્યા હતા.જોકે ઉમેશ યાદવે વોર્નર અને પંતને અને નારાયણે લલિતને આઉટ કરતાં દિલ્હી ૮૨/૨ થી ૮૪/૫ પર ફસડાયું હતુ. પોવેલે ૧૬ બોલમાં વિજયી સિક્સર સહિત ૩ છગ્ગા અને એક ચોગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ટીમને જીતાડી હતી.અક્ષરે ૧૭ બોલમાં ૨૪ રન કર્યા હતા, પણ તે રનઆઉટ થઈ ગયો હતો.આખરે પોવેલ સાથે શાર્દૂલ ઠાકુર ( ૮ રન)નોટઆઉટ હતો. ઉમેશ યાદવે ૨૪ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
અગાઉ દિલ્હી કેપિટલ્સના બોલરોના પ્રભાવશાળી દેખાવ સામે કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેનો ફ્લોપ સાબિત થયા હતા અને ૨૦ ઓવરના અંતે ૯ વિકેટે ૧૪૬ રનના સ્કોર સુધી જ પહોચી શક્યા હતા.નિતિશ રાણાએ ૩૪ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે લડાયક ૫૭ રન નોંધાવ્યા હતા.જેના કારણે તેઓ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યા હતા. કેપ્ટન શ્રેયસ ઐયરે ૪૨ રન કર્યા હતા.જ્યારે દિલ્હી તરફથી ઈન ફોર્મ સ્પિનર કુલદીપ યાદવે ૧૪ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.જ્યારે રહમાને ૧૮ રન આપીને ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે ટોસ જીતીને પ્રથમ કોલકાતાને બેટીંગમાં ઉતારી હતી. દિલ્હીએ સિઝનમાં પહેલી વખત સૌરાષ્ટ્રના સ્પિનર ચેતન સાકરિયાને પહેલીવાર તક આપી હતી અને તેણે જ ટીમને પહેલી સફળતા અપાવી હતી.સાકરિયાએ ફિન્ચને ૩ રનના વ્યક્તિગત સ્કોર પર ક્લિન બોલ્ડ કર્યો હતો.જે પછી વેંકટેશ ઐયરને અક્ષર પટેલે આઉટ કર્યો હતો. તેનો કેચ સાકરિયાએ ઝડપ્યો હતો.કુલદીપે સતત બે બોલમાં ઈન્દ્રજીત અને નારાયણને આઉટ કરતાં કોલકાતા ૩૫/૪ પર ફસડાયું હતુ.
શ્રેયસ અને નિતિશની જોડીએ ૩૪ બોલમાં ૪૮ રન ઉમેરતા ડેમેજ કન્ટ્રોલ કર્યું હતુ.કુલદીપે એક જ ઓવરમાં શ્રેયસ અને રસેલ (૦)ની વિકેટ ઝડપી હતી.નિતિશે ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૩૪ બોલમાં ૫૭ રન કર્યા હતા.તેણે રિન્કુ સિંઘ (૧૬ બોલમાં ૨૩) સાથે ૩૫ બોલમાં ૬૨ રન ઉમેરતા સ્કોરને ૧૫૦ની નજીક પહોંચાડયો હતો.રહમાને ઈનિંગની આખરી ઓવરમાં રિન્કુ, નિતિશ અને સાઉથીની વિકેટ ઝડપી હતી.સાકરિયાએ ૩ ઓવરમાં ૧૭ રન આપીને ૧ વિકેટ મેળવી હતી.