લંડન, તા.૨૮ : ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન તરીકે અપેક્ષા મુજબ જ ઓલરાઉન્ડર બૅન સ્ટોક્સની નિયુક્તિ કરવામાં આવી છે.ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે નવા મેનેજિંગ ડાયરેક્ટર રોબ કીની ભલામણને સ્વીકારી લેતાં સ્ટોક્સ ઈંગ્લેન્ડનો ૮૧મો ટેસ્ટ કેપ્ટન બન્યો હતો.સ્ટોક્સે ઈંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટન્સી સંભાળી તેની સાથે સાથે બ્રોડ અને એન્ડરસનની ફાસ્ટ બોલિંગ જોડીનું પુનરાગમન પણ નક્કી જેવું જ મનાય છે.નવા ટેસ્ટ કેપ્ટન બૅન સ્ટોક્સે ઈંગ્લેન્ડની રેકોર્ડ બ્રેકિંગ ફાસ્ટ બોલિંગ જોડી બ્રોડ અને એન્ડરસનના પુનરાગમનની તરફેણ કરી હતી.ઈંગ્લેન્ડને હવે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેમાં બ્રોડ-એન્ડરસનનું પણ ટીમમાં પુનરાગમન થશે, તેમ રોબ કીએ જણાવ્યું હતુ.અગાઉ એશિઝની નિષ્ફળતા બાદ બ્રોડ-એન્ડરસનને પડતા મૂકવામાં આવ્યા હતા.તેઓ વિન્ડિઝ સામેની શ્રેણીમાં રમ્યા નહતા.જેમાં ઈંગ્લેન્ડનો પરાજય થયો હતો અને ત્યાર બાદ રૃટને રાજીનામું આપવું પડયું હતુ.આ ઉપરાંત મેનેજિંગ ડાયરેકટર સ્ટ્રાઉસ અને કોચ સિલ્વરવૂડે પણ વિદાય લીધી હતી.૩૦ વર્ષનો સ્ટોક્સ ઈંગ્લેન્ડ તરફથી ૭૯ ટેસ્ટ રમી ચૂક્યો છે, જેમાં તેના પાંચ હજારથી વધુ રન છે અને ૧૭૪થી વધુ વિકેટ પણ તેણે ઝડપી છે.રૃટની વિદાય બાદ સ્ટોક્સને કેપ્ટન બનાવવાની માગ ઉઠવા પામી હતી. સ્ટોક્સે પણ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.