કંગાળ ફોર્મનો શિકાર બનેલો કોહલી IPLમાંથી ખસી જાય : રવિ શાસ્ત્રી

346

મુંબઈ, તા.૨૭ : કંગાળ ફોર્મનો શિકાર બનેલા વિરાટ કોહલીને તેના માનીતા કોચ રવિ શાસ્ત્રીએ આઇપીએલમાંથી ખસી જવાની સલાહ આપી છે.આઇપીએલમાં કોમેન્ટેટર તરીકેની જવાબદારી સંભાળી રહેલા શાસ્ત્રીએ કહ્યું કે, કોહલીએ તેની ખુદની પ્રતિભાને જાળવવા માટે આઇપીએલમાંખી ખસી જવું જોઈએ.ધુરંધર બેટ્સમેન તરીકેની પ્રતિભા ધરાવતો કોહલી આઇપીએલની આ સિઝનમા સદંતર ફ્લોપ રહ્યો હતો.તે છેલ્લા ત્રણ વર્ષથી કોઈ પણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો નથી.કોહલી અને શાસ્ત્રી વચ્ચે સારી દોસ્તી છે.કોહલી જ્યારે ભારતીય ટીમનો કેપ્ટન હતો, ત્યારે તેણે શાસ્ત્રીને ફરી વખત કોચ બનાવવાની તરફેણ પણ કરી હતી.કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની જોડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોંધપાત્ર સફળતા પણ મેળવી હતી.શાસ્ત્રીએ કહ્યું કે, તે છેલ્લા કેટલાક સમયથી અવિરત ક્રિકેટ રમી રહ્યો છે.તેને આરામની જરુર છે.તે તમામ ફોર્મેટમાં ટીમની કેપ્ટન્સી કરી ચૂક્યો છે.તેણે ક્રિકેટમાંથી વિરામ લેવો જોઈએ.શાસ્ત્રીએ એક યૂટયુબ ચેનલની સાથેની મુલાકાતમાં કહ્યું કે, એક તબક્કે તો સંતુલન રાખવું જ જોઈએ. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીને લંબાવવા માટે બ્રેક લેવો જરુરી છે.અગાઉ પણ શાસ્ત્રી કોહલી માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી આરામની માંગણી કરી ચૂક્યો છે.તેણે કહ્યું હતુ કે, પસંદગીકારોએ કોહલીને ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા કે પછી આરામ આપવાનો નિર્ણય લેવો પડશે.

Share Now