નવી દિલ્હી,તા.29 એપ્રિલ 2022,શુક્રવાર : ભગવાન રામની નગરી અયોધ્યામાં તણાવ સર્જવા માટે કેટલાક તત્વોએ જાળીવાળી ટોપી પહેરીને ધાર્મિક સ્થળો પર વાંધાજનક લખાણવાળા પેમ્ફ્લેટ અને માંસના ટુકડા ફેંક્યા હતા.આ કાવતરાની વધુ ચોંકાવનારી વિગતો સપાટી પર આવી રહી છે.પોલીસે આ મામલામાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે.બીજા ચાર લોકોની હજી પોલીસ શોધખોળ કરી રહી છે.પકડાયેલા સાતેય હિન્દુ યોધ્ધા સંગઠન સાથે જોડાયેલા છે.આ કાવતરાનો માસ્ટર માઈન્ડ મહેશ મિશ્રા છે.તેઓ ધાર્મિક સ્થળ પર આપત્તિજનક સામાન ફેંકતા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા હતા.આ માટે તેણે ખાસ એવી બે મસ્જિદો પસંદ કરી હતી.જેની આસપાસ સીસીટીવી કેમેરા લાગેલા હોય.
પોલીસના કહેવા પ્રમાણે માસ્ટર માઈન્ડ મહેશ મિશ્રાએ વાંધાજનક લખાણવાળા પેમ્ફ્લેટ છપાવ્યા હતા અને બીજા એક આરોપીએ જાળીદાર ટોપી પણ ખરીદી હતી.એક આરોપીએ માંસ ખરીદયુ હતુ.આ તમામ વસ્તુઓ 26 એપ્રિલે ભેગી કરવામાં આવી હતી.પોલીસને કુલ ચાર મસ્જિદોની બહાર આપત્તિજનક પેમ્ફ્લેટ અને માંસ ફેંકાયુ હોવાની ફરિયાદો મળી હતી.
પોલીસના કહેવા પ્રમાણે આરોપીઓ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા પર થયેલા હુમલાનો બદલો લેવા માંગતા હતા અને્ ઈચ્છતા હતા કે તનાવ સર્જીને ઈદની ઉજવણીમાં ખલેલ પોહંચાડવામાં આવે.પોલીસે તેમની સામે અલગ અલગ કલમો લગાડી છે અને સાથે સાથે નેશનલ સિક્યુરિટી એકટ લગાડવાની પણ તૈયારી કરી છે.માસ્ટર માઈન્ડ મહેશ મિશ્રાના ભાઈ વિશાનુ કહેવુ છે કે, મહેશ આરએસએસ અને બજરંગદળ માટે વર્ષોથી કામ કરતો હતો.તે દર મંગળવારે કોઈને કોઈ મહોલ્લામાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ પણ કરતો હતો.