વોશિંગ્ટન,29 એપ્રિલ,2022,શુક્રવાર : યુક્રેન અને રશિયા વચ્ચેનું યુધ્ધ દુનિયામાં ભારત જેવા તટસ્થ દેશો માટે આર્થિક અને રાજકિય પરીક્ષા કરનારું બની ગયું છે.યુક્રેનને નાટો દેશોની આગેવાનીમાં અમેરિકા તન,મન અને ધનથી મદદ કરી રહયું હોવાથી ખરી લડાઇ રશિયા અને અમેરિકા લડી રહયા છે.બંને પાવરફૂલ મહાસત્તાઓ પોતાના પક્ષ મજબૂત કરવા બીજા દેશોનું સમર્થન માંગી રહયા છે.
રશિયા અને અમેરિકા વચ્ચેની આ યુક્રેન વોરગેમમાં ભારતે યુએન અને યુએનની બહાર તટસ્થે વલણ જાળવી રાખ્યું છે.આવા સંજોગોમાં હજુ પણ અમેરિકાએ ભારતને પોતાના સમર્થનમાં લેવાના પ્રયાસો છોડયા નથી.તાજેતરમાં અમેરિકાના વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું છે કે અમેરિકા યુક્રેન મુદ્વે ભારત સાથે મંત્રણા કરવામાં હજુ પણ રચ્યું પચ્યું છે.
આ મંત્રણાઓનો આ દોર આગામી મહિનામાં જાપાનમાં યોજાનારા કવાડ સંમેલનમાં પણ ચાલતો રહેશે.કવાડમાં જાપાન, ભારત,અમેરિકા અને ઓસ્ટ્રેલિયા મેમ્બર છે.જાપાનમાં યોજાનારા કવાડ સંમેલન બાબતે મીડિયાને જાણકારી આપતા સાકીએ ઉમેર્યુ કે યુધ્ધમાં યુક્રેનવાસીઓના સાથ મળે તે માટે ભારતીય નેતાઓ સાથે અનેક સ્તરે વાતચિત થઇ છે.અમેરિકાએ યુક્રેનને જે મદદ કરી છે અને રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે તે પાછળની અમારી સંવેદનાઓ મંત્રણાઓમાં પ્રગટ કરતા રહીશું.