પીઢ ટીવી-ફિલ્મ અને નાટય કલાકાર સલીમ ગૌસનું નિધન

111

મુંબઇ : પીઢ ટીવી અને ફિલ્મ અભિનેતા સલીમ ગૌસનું ૭૦ વર્ષની વયે હૃદય રોગના હુમલાથી નિધન થયું છે.બોલિવુડના જાણીતા કલાકારો તથા ફિલ્મ સર્જકોએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.૮૦ના દાયકામાં અનેક ટીવી સિરિયલોમાં મુખ્ય પાત્રો સાથે સલીમ જાણીતો ચહેરો બન્યા હતા.શ્યામ બેનેગલની ભારત એક ખોજમાં તેમણે રામ, કૃષ્ણ અને ટીપુ સુલતાન સહિતની ભૂમિકાઓ ભજવી હતી.ભારત એક ખોજના સેટ પર તેમના અભિયનને ખુદ શ્યામ બેનેગલ તથા કેમેરા ડાયરેક્ટર વી. કે. ગુરુમૂર્તિ સહિતનાં દિગ્ગજોનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. સુબહ સિરિયલમાં ભરત નામના મુખ્ય પાત્રની ડ્રગ એડિક્ટની ભૂમિકા તેમણે બખૂબી ભજવી હતી.આ ઉપરાંત સરદારી બેગમ, મોહન જોશી હાજિર હો, મંથન, સારાંશ, કલયુગ સહિતની ફિલ્મોમાં તેમનો નોંધપાત્ર અભિનય જોવા મળ્યો હતો.

તેમણે પોતાની અભિનય કારકિર્દીમાં નાટકોને વધુ પ્રાધાન્ય આપ્યું હતું આથી બાદમાં બહુ ગણતરીના રોલ સ્વીકારવા જ શરુ કર્યા હતા. તેઓ સાઉથની ફિલ્મો તરફ પણ વળ્યા હતા અને ત્યાં કેટલીય ભૂમિકાઓમાં ધૂમ મચાવી હતી.સલીમને અભિનેતા તરીકે વારંવાર અજમાવનારા શ્યામ બેનેગલે કહ્યું હતું કે ઓમપુરી અને નસીરુદ્દિનની જેમ જ કોઈ પણ પાત્રને આત્મસાત કરી લેવાની તેમનામાં ગજબની આવડત હતી.મને હજુ પણ અફસોસ થાય છે કે મેં તેમની સાથે વધારે કામ કર્યું હોત તો સારું હતું.કોયલામાં સલીમને અમરીશ પુરીના સાગરિતની ભૂમિકા આપનારા રાકેશ રોશને પણ તેમને એક ઉત્કૃષ્ટ અભિનેતા તરીકે યાદ કર્યા હતા.

Share Now