સાપુતારા : કેન્દ્રિય આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી ડો.ભારતી પ્રવિણ પવારે તાજેતરમાં ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી.દરમિયાન સાપુતારા સર્કિટ હાઉસ ખાતે આયોજિત એક ઉચ્ચસ્તરીય બેઠકમા RCHOશ્રી ડો.સંજય શાહે ડાંગ જિલ્લાનો અયોગ્યલક્ષી ચીતાર(પ્રોફાઈલ) રજુ કરી, આરોગ્યની તમામ કામગીરીથી મંત્રીશ્રીને અવગત કરાવ્યા હતા.મંત્રીશ્રી દ્વારા જિલ્લાની આરોગ્યલક્ષી જાણકારી મેળવ્યા બાદ, કેટલાક ઉપયોગી સૂચનો રજૂ કર્યા હતા.જે મુજબ જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે, નિયમીત રીતે બ્લડ સુગર અને એનિમીયાની તપાસ થાય, તથા દર્દીને તાત્કાલીક સારવાર મળી રહે તે સુનિશ્ચીત કરવા, સાથે ગિરિમથક સાપુતારા ખાતે જન ઔષધિ કેન્દ્ર, દર્દીઓના લાભાર્થે શકય તેટલુ વહેલ શરૂ થાય તેવુ સૂચન રજૂ કર્યુ હતુ.
ઉપરાંત ઈ-સંજીવની તેમજ ટેલિમેડિસીન માટે ઈન્ટરનેટ કનેકિટવીટીના પ્રશ્ન હોય ત્યા ગ્રામ પંચાયતમાંથી પ્રા.આ.કેન્દ્ર તેમજ સબ સેન્ટર ઉપર કનેકશન મેળવવા, ૧૮ વર્ષથી ઓછી ઉમંરના બાળકોના લગ્ન (બાળ લગ્ન) અટકાવવા માટે વ્યાપક IEC એક્ટિવિટી મારફતે જાગૃતી વધારવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પરની ખાલી પડેલી, તબીબી અધિકારીઓની જગ્યા પ્રાથમિકતાના ધોરણે કોન્ટ્રાકથી કે ડેપ્યુટેશનથી ભરવા સુચન કર્યુ હતુ.આ બેઠકમા શામગહાન સા.આ.કેન્દ્રના તબીબી ડૉ.સંકેત સુતરીયા, સાપુતારા હોટલ એસો.સેક્રેટરી શ્રી તુકારામભાઈ કરડીલે પણ ઉપસ્થિત રહયા હતા.ડાંગ જીલ્લાની આરોગ્ય વિષયક કામગીરી થી સંતોષ વ્યક્ત કરતા, મંત્રીશ્રીએ આરોગ્ય અંગેની કોઈ પણ જરૂરીયાત માટે તેમનો સંપર્ક કરવા પણ જણાવ્યુ હતુ.