ભાવનગર : અત્યાધુનિક સંસાધનો અને સુવિધા યુક્ત એવી મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટે કાર્યવાહી આરંભાઇ છે.ભાવનગર જિલ્લામાં અવાણીયા, સિદસર, તળાજા, તલગાજરડા, મહુવા અને માનવડ પાલિતાણામાં મોડેલ સ્કૂલ કાર્યરત છે. જેમાં ધો.૬ થી ૮ અને ૯ થી ૧૨માં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોડેલ સ્કૂલમાં પ્રવેશ માટેની માર્ગદર્શિકા જારી કરાઇ છે.મોડેલ સ્કૂલમાં પ્રવેશ પરીક્ષા આર.ટી.ઇ. એક્ટ મુજબ શક્ય ન હોવાના કારણે વિદ્યાર્થીઓની અગાઉના ધોરણના ગુણપત્રકના આધારે મેરીટ યાદી આરક્ષણ મુજબ તૈયાર કરીને પ્રવેશ આપવામાં આવશે. (ધોરણ ૬માં પ્રવેશ માટે ધોરણ-૫ના ગુણપત્રક આધારે મેરીટ યાદી બનાવવી, ધોરણ-૯માં પ્રવેશ માટે ધોરણ-૮ના ગુણપત્રક આધારે મેરીટ યાદી બનાવવી તે જ મુજબ અન્ય ધોરણો માટે અનુસરવાનું રહેશે) જેમાં પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંત બંને પરીક્ષામાં ૬૦ ટકાથી વધુ ગુણ મેળવેલ હોય તેવા બાળકોનું નામાંકન મોડેલ સ્કૂલમાં કરાવી શકાશે.મોડેલ સ્કૂલમાં ઉચ્ચતર પ્રાથમિકમાં વર્ગ દીઠ ૮૦ (બે વર્ગ) વિદ્યાર્થીઓની મર્યાદામાં એડમિશન આપવાના રહેશે. ધો.૯ થી ૧૨માં વર્ગ દીઠ ૧૨૦ (બે વર્ગ)માં પ્રવેશ અપાશે. શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં જ્યાં મોડેલ સ્કૂલ છે તે જ તાલુકાના વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ મળશે.કેજીબીવી ટાઇપ-૪ (ગર્લ્સ હોસ્ટેલ)માં પ્રવેશ મેળવેલ કન્યાઓને મોડેલ સ્કૂલોમાં મેરીટનું ધોરણ ધ્યાને લીધા વિના પ્રવેશ આપવાનો રહેશે.વર્ગદીઠ મહત્તમ વિદ્યાર્થીઓની મર્યાદાને ધ્યાને રખાશે.રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જિલ્લાના આરક્ષણ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો રહેશે અને આ અંગે સમાજ કલ્યાણ વિભાગના પ્રવર્તમાન નિયમોનું પાલન કરવા જણાવાયું છે.પ્રવેશ માટે તા.૨૯-૪ થી અરજીપત્ર વિતરણ શરૂ કરવામાં આવશે જે તા.૨૨-૫ સુધી શાળા સંકુલ ખાતે સ્વિકારવામાં આવશે.જ્યારે ૨૪-૫ના રોજ મેરીટ યાદી જાહેર કરાશે તો ૧-૬ દરમિયાન પ્રવેશ મેળવી લેવા અંગેનો કાર્યક્રમ જાહેર કરાયો છે.અત્યાધુનિક સિસ્ટમ સાથે વિનામૂલ્યે શિક્ષણ આપતી આ મોડેલ સ્કૂલોમાં કાલથી પ્રવેશ પત્રો ભરવાનું શરૂ થવા જઇ રહ્યું છે.જે અંગે ડીઇઓ, ડીપીઇઓ, ટીપીઇઓ, બીઆરસી, સ્કૂલના આચાર્ય અને શિક્ષકની સમિતિ નિયુક્ત કરાઇ છે.