મનિલા, તા.૧ : ભારતની ડબલ ઓલિમપિક મેડાલિસ્ટ પી.વી. સિંધુને બેડમિંટન એશિયા ચેમ્પિયનશિપન સેમિ ફાઈનલમાં જાપાનની યામાગુચી સામે ૨૧-૧૩, ૧૯-૨૧, ૧૬-૨૧થી હારનો સામનો કરવો પડયો હતો.આ મેચ દરમિયાન બીજી ગેમમાં નિર્ણાયક તબક્કે અમ્પાયરે સિંધુને પોઈન્ટ પેનલ્ટી કરી હતી.જેના પગલે રોષે ભરાયેલી સિંધુએ અમ્પાયર અને મેચ ઓફિશિઅલ સામે ઉગ્ર રજુઆત કરી હતી.મેચ બાદ પણ સિંધુએ કહ્યું કે, અમ્પાયરનો નિર્ણય ખોટો અને અન્યાયકારી હતો. તેના જ લીધે હું મેચ હારી ગઈ હતી.
બીજી ગેમમાં સિંધુ ૧૪-૧૧થી સરસાઈ મેળવી ચૂકી હતી, ત્યારે અમ્પાયરે તેને પોઈન્ટ પેનલ્ટી કરી હતી.સિંધુ બે સર્વિસ વચ્ચે વધુ સમય વેડફતી હોવાનું કારણ આપવામાં આવ્યું હતુ. સિંધુએ મેચ પછી કહ્યું કે, અમ્પાયરે મને કહ્યું કે, તું સર્વિસ કરવામાં ઘણો વિલંબ કરી રહી છે, પણ તે સમયે મારી હરિફ રમવા માટે તૈયાર જ નહતી.અમ્પાયરે આ તબક્કે તેને પોઈન્ટ આપી દીધો.જે અયોગ્ય હતું.સિંધુએ કહ્યું કે, તે નિર્ણાયક તબક્કો હતો.જો મને પોઈન્ટ પેનલ્ટી ન થઈ હોત તો મારી લીડ ૧૫-૧૧ની થઈ જતા અને હું મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશી શકી હોત.મેં આ અંગે ચીફ રેફરીને રજુઆત કરી હતી.જોકે તેમણે કહ્યું કે, હવે અમ્પાયરે તેમનું જજમેન્ટ આપી દીધું છે.તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી.ચીફ રેફરીએ શું ભુલ થઈ છે તે જોવાની જરુર હતી. તેમણે રિપ્લે જોઈને પણ કોઈક પગલાં લેવા જોઈતા હતા.