ભાવનગર : ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાવનગર યુનિવર્સિટીની ટીમે વિજયકૂચ જારી રાખી છે.ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાઈઓ-બહેનોની ટીમ કર્વાટર ફાઈનલમાં પહોંચી છે, જયારે ભાવનગર યુનિવર્સિટીના ખેલાડીએ જુડો સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ૧૦૦ કેજીમાં પાંચમો ક્રમ મેળવ્યો છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની ટેબલ ટેનિસની ભાઈઓ-બહેનોની ટીમ વેસ્ટઝોન ઈન્ટર યુનિવર્સિટીમાં રનર્સઅપ થઈ હતી અને ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટીમાં સર્વોચ્ચ પ્રદર્શન કર્યુ હતું.આ બંને ટીમો હાલ બેંગ્લોર ખાતે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે ગઈ છે.આ ટુર્નામેન્ટનુ તા. ર૯ એપ્રિલથી આગામી તા. ર મે સુધી આયોજન કરવામાં આવેલ છે.ટેબલ ટેનિસ સ્પર્ધામાં બહેનોના વિભાગમાં લીગ મેચોમાં ભાવનગર યુનિવર્સિટી ટીમે આન્ના યુનિવર્સિટી અને પંજાબ યુનિવર્સિટી સામે વિજય મેળવી કર્વાટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે, જયારે ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ભાવનગર યુનિવર્સિટીની ટીમે યુનિવર્સિટી ઓફ નોર્થ બેંગોલ તથા યુનિવર્સિટી ઓફ મદ્રાસ સામે વિજય મેળવી કર્વાટર ફાઈનલમાં જગ્યા બનાવી છે.ભાવનગર યુનિવર્સિટીની બંને ટીમે હાલ ટોપ-૮માં પ્રવેશ કરી આગેકૂચ જારી રાખી છે.ભાવનગર યુનિ.ના પ્રાર્થના પરમાર, નામના જયસ્વાલ, ધારા પરમાર, હેતવી રાવલ, જયનીલ મહેતા, કરણપાલસિંહ જાડેજા, વિવેક મકવાણા, નંદીશ હાલાણી, દેવર્શ વાઘેલા વગેરે ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો.જુડો સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ૧૦૦ કેજીની ટીમ લીગ મેચો પૈકી સાવિત્રીભાઈ પુને યુનિવર્સિટી સામે વિજય મેળવી ભાવનગર યુનિવર્સિટીના ખેલાડી યશવંતસિંહ ગોહિલે પાંચમો ક્રમ મેળવ્યો હતો.