વડોદરા, તા.1 : સોખડા હરિધામમાં ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસમાં પોલીસ હજી સુધી ચોક્કસ કારણ જાણી શકી નથી.હરિધામમાં ગુણાતીત સ્વામી જે રૃમમાં રહેતા હતા તે રૃમની નજીક અને સામેની રૃમમાં રહેતા અન્ય છ સ્વામીની પોલીસે આજે પૂછપરછ કરી હતી.સોખડા હરિધામમાં સ્વામીઓના નિવાસમાં રૃમ નંબર ૨૧માં ગુણાતીત સ્વામીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો તેની પોલીસને જાણ થયા બાદ આજે ત્રીજા દિવસે પણ તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો.શરૃઆતમાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ, બાદમાં પીએસઆઇ અને હવે સીપીઆઇને તપાસ સોંપવામાં આવી છે.પોલીસની ટીમે આજે સોખડા હરિધામ પહોંચી તપાસ આગળ ધપાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે આજે અમે રૃમ નંબર ૩૭માં રહેતા હરીસૌરવ સ્વામી, ભગવતપ્રિય સ્વામી રૃમ નંબર ૩૮માં રહેતા યોગીચરણ સ્વામી, ભક્તિસૌરભ સ્વામી તેમજ રૃમ નંબર ૨૦માં રહેતા વિશ્વેશ્વરદાસ સ્વામી અને સરલજીવનદાસ સ્વામીની પૂછપરછ કરી હતી.પોલીસે કહ્યું હતું કે સ્વામીઓએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમને સવારે ખબર પડી કે સ્વામી ધામમાં પહોંચી ગયા છે.સ્વામીએ ફાંસો ખાધો તેવી જાહેરાત શરૃઆતમાં કરવામાં આવી ન હતી પરંતુ જ્યારે પોલીસ હરિધામમાં આવી ત્યારે જાણ થઇ કે સ્વામીએ ફાંસો ખાધો છે.