સૌરાષ્ટ્રમાં વૈશાખી વાયરાઃ તેજ પવન સાથે લૂ વર્ષા, ધૂળની ડમરીઓ ઊડી

149

રાજકોટ : આ વખતે દર વર્ષ કરતાં વધુ આકરા બની રહેલા તાપમાં આજે તેજ પવન પણ ભળતાં સૌરાષ્ટ્રના ઘણાંખરા વિસ્તારોમાં બળબળતી લૂ ફૂંકાઈ હતી અને માર્ગો પર સતત ધૂળની ડમરીઓ ઉઠતી રહી હતી.રાજકોટમાં પવનની રફતાર અમુક તબક્કે તો ૩૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જવા પામી હતી.આગામી ત્રણ દિવસમાં ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી છે.

રાજકોટમાં સવારે ૮-૩૦ વાગ્યે ૩૦.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયા બાદ ૧૧-૩૦ વાગ્યે ૩૯.૬, બપોરે ૨-૩૦ વાગ્યે ૪૨.૪ અને ૩.૩૦ કલાકે ૪૩ ડિગ્રીએ પહોંચ્યા બાદ સાંજે ૫-૩૦ વાગ્યે ૪૨.૪ થઈને થોડું-થોડું ઘટવા માંડયું હતું. સવારે ૧૧ વાગ્યાથી જ રાહદારીઓને આકરો તાપ વર્તાવા લાગ્યો હતો, જ્યારે મોડી બપોરે તો તેમાં તેજ રફતારવાળો પવન પણ ઉમેરાતા ગરમીમાં રાહતને બદલે ઉલટાની લૂ વરસી હતી.દિવસ દરમિયાન પવનની સરેરાશ ઝડપ ૨૨ કિ.મી. પ્રતિ કલાકની રહી, જે બપોરે ૨થી ૪-૩૦ વચ્ચે ૩૫ કિ.મી. પ્રતિ કલાકની થઈ ગઈ હતી.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ સૂસવાટા મારતો પવન ફૂંકાયો હતો.માળિયાના મોટી બરાર ગામે ભારે પવનને લીધે રામજી મંદિર પાસે આવેલો વિશાળકાય લીમડો ધરાશાયી થયો હતો અને વૃક્ષનો મોટો હિસ્સો મંદિર પર પડતાં મંદિરમાં નુસાની થવા પામી છે.જો કે, સદ્દભાગ્યે તે સમયે વૃધ્ધ દર્શનાર્થીઓ થોડે દૂર બેઠા હોવાથી તેમનો આબાદ બચાવ થયો હતો.અમરેલી ૪૨.૯ ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં બીજા ક્રમે, સુરેન્દ્રનગર (૪૨.૮) ત્રીજા નંબરે રહ્યું હતું.જૂનાગઢમાં પણ ૨૬થી ૪૦.૫ ડિગ્રી સે. તાપમાન વચ્ચે તીવ્ર ગરમી પડી હતી. આજે કેશોદમાં ૩૭.૭, મહુવા ૩૪.૮, ભાવનગરમાં ૪૨ ડિગ્રી તેમજ દરિયાકાંઠાના પોરબંદરમાં ૩૫, દ્વારકા ૩૩.૧, ઓખા ૩૫.૧, વેરાવળ ૩૩.૭ અને દિવમાં ૩૨.૫ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું.કચ્છના જિલ્લામથક ભુજ ખાતે ૪૧.૨, નલિયા ૩૭.૬, અને કંડલા (એરપોર્ટ) તો ૪૩.૫ ડિગ્રી સે. સાથે રાજ્યભરમાં બીજા ક્રમે રહ્યું છે.હવામાન વિભાગે એવું અનુમાન વ્યક્ત કર્યું છે કે આગામી ત્રણ દિવસમાં તાપમાન ૨થી ૩ ડિગ્રી નીચું આવશે.

સમગ્ર ઉનાળા દરમિયાન મહત્તમ ગરમી જ્યારે પડતી હોય છે એ મે મહિનાનો અત્યાર સુધીનો રેકોર્ડ સૂચવે છે કે રણ વિસ્તાર નજીકનાં ભુજ કરતાં પણ રાજકોટમાં થર્મોમીટરનો પારો વધુ ઊંચે જઈ પહોંચે છે.રાજકોટમાં મે માસ દરમિયાન સૌથી ઊંચું તાપમાન વર્ષ ૧૯૭૭ની ૧૩ તારીખે ૪૭.૯ ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું, જ્યારે ભુજમાં ૪૭.૮ ડિગ્રીનો રેકોર્ડ ૨૬-૫-૧૮૮૬નો છે.ઔર તો ઔર, દરિયાકાંઠાનાં વેરાવળમાં પણ ૧૯૫૯ની ૨૧ મેના રોજ તાપમાન ૪૪.૨ અને દ્વારકામાં એ જ દિવસે ૪૨.૭ ડિગ્રી રહ્યું હતું.જો કે, એવા કિસ્સા અપવાદરુપ મનાય છે, ૧૯૮૧થી ૨૦૧૦ દરમિયાન જે- તે શહેરનું મે મહિનાનું સરેરાશ તાપમાન જેટલું નોંધાયું હતું તેના કરતાં લગભગ સર્વત્ર વધુ જ વર્ષ ૨૦૧૧થી રહેતું આવ્યું છે, જે ગ્લોબલ વોર્મિંગની અસર સૂચવે છે.વચ્ચે- વચ્ચે ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ને બાદ કરતાં ક્રમાનુસાર ગરમી વધ્યાનું હવામાન વિભાગના આંકડા બોલે છ.

જૂનાગઢમાં ભારે તાપના લીધે એમ.જી. રોડ પર તાજેતરમાં કરવામાં આવેલો ડામર ઓગળવા લાગ્યો હતો.જેના લીધે વાહનચાલકોને અને રાહદારીઓને મુશ્કેલી થઈ હતી.આ અંગેની ફરિયાદ બાદ તંત્રએ સીલકોટ નાખી સમસ્યાનું નિરાકરણ કર્યું હતું.જૂનાગઢમાં હાલ રોજ આકરો તાપ પડી રહયો છે.લોકો આકરી ગરમી અને તાપથી ત્રાહીમામ થઈ ગયા છે. આજે બપોરે આકરા તાપના કારણે તાજેતરમાં બનાવવામાં આવેલા એમ.જી. રોડ પર ડામર ઓગળવા લાગ્યો હતો.વાહનોના ટાયરમાં અને રાહદારીઓને બુટ ચપ્પલમાં ઓગળેલો ડામર તેમાં ચોંટી ગયો હતો.જેના લીધે લોકોએ મુશ્કેલી ભોગવવી પડી હતી.આ બાબત અંગે જાણ થતાં તંત્રએ ઓગળતા ડામર પર સીલકોટ નાખી આ સમસ્યાનું નિરાકરણ કર્યું હતું.

Share Now