મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીએ ટ્રાફિક નિયમ તોડવા બદ્દલ 27 હજારનો દંડ ભર્યો

137

મુંબઈ : રાજ્યના નાગરિકોને નિયમ પાળવાની સલાહ આપતા રાજકારણીઓ પોતે પણ નિયમ તોડતાં હોય છે, તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે.રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમણે ૨૭ હજારનો દંડ ભર્યો છે. અજિત પવાર બાદ ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ, સુનિલ શેળકે પણ ટ્રાફિક નિયમો તોડવામાં આગળ હોવાનું જાણવા મળ્યું છે.

ચંદ્રકાંત પાટીલ પાસે દંડના સર્વાધિક ૧૪,૨૦૦ રુપિયા બાકી હોવાનું સ્પષ્ટ થયું છે.ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલને ૫,૨૦૦ તો રાજ્યમંત્રી દત્તાત્રય ભરણેને ટ્રાફિકના નિયમ તોડવા બદ્દલ ૬૦૦ રુપિયાનો દંડ કરાયો છે.સામાન્ય જન નિયમ તોડે તો તરત તેમની ઈ-ચલાનની પાવતી ફાટે છે.તેમના વાહન જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી થાય છે.પરંતુ કોઈ રાજકીય નેતાઓના વાહનોની પણ ચલાન ફાટે? જો ચલાન જનરેટ થાય તો રાજકારણીઓ ચલાન ભરે છે કે નહિ? તેમને આ બાબતે કોઈ પૂછે છે ખરું? નેતાની કારની સ્પીડ માપવામાં આવે છે? એવો પ્રશ્ન સામાન્ય લોકોને થાય તે સ્વાભાવિક છે.ત્યારે તેમના આ સવાલનો જવાબ અહીં મળી રહે છે.

કાયદો એ સહૂને માટે સમાન છે.આથી જો સામાન્ય નાગરિકને દંડ ન ભરવા બદ્દલ કોઈ કાર્યવાહીનો સામનો કરવો પડતો હોય તો ટ્રાફિક વિભાગે રાજકીય નેતાઓ કે જેમના ઈ-ચલાન હજીયે ભરવાના બાકી હોય તેમની સામે પણ સમાન કાર્યવાહી કરવી જ જોઈએ.સંપૂર્ણ મહારાષ્ટ્રભરની વાત કરીએ તો આવા અનેક ચલાનો અનેક રાજકીય કાર્યકર્તા, નેતાઓના નામે બન્યાં હશે, પરંતુ ત્યારબાદ એ ચલાનો ભરાઈ કે નહિ તેની કોઈ માહિતી ક્યારેય સામાન્યજન પાસે હોતી નથી.આથી નાગરિકોએ હવે આ મુદ્દે પણ જાગરુક બનવું રહ્યું.પોતે પણ નિયમ ન તોડવા અને અન્યોને પણ નિયમ તોડતાં અટકાવવા એ વધુ મહત્ત્વનું છે.

Share Now