વડોદરા, તા.2 વડોદરા શહેરના કુબેરભવનના પહેલા માળે આવેલી તલાટી ઓફિસમાં આજે સવારે છતનો ભાગ તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી.સદનસીબે ઓફિસમાં તલાટી સહિતના અન્ય લોકો બચી ગયા હતાં.આ ઓફિસમાં જીવના જોખમે કર્મચારીઓ કામ કરે છે જે અંગે અગાઉ રજૂઆત કરાઇ છતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.ઉલ્લેખનીય છે કે કુબેરભવનના પહેલા માળે નાગરવાડા, સવાદ અને વડોદરા કસબાના ત્રણ તલાટીઓ બેસે છે.શહેરના અડધા જેટલા વિસ્તારના અરજદારો આ કચેરીમાં રોજે રોજ વિવિધ સરકારી કામો માટે આવતા હોય છે જેથી આ ઓફિસમાં સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે.રવિવારની રજા બાદ આજે સોમવારે મોટી સંખ્યામાં અરજદારો ઓફિસમાં આવી ગયા હતાં.આ વખતે તલાટીઓ પણ ઓફિસમાં હાજર હતાં.
દરમિયાન ૧૧ વાગ્યાની આસપાસ અચાનક છતનો ભાગ તૂટી પડતા તલાટી તેમજ અન્ય અરજદારોમાં નાસભાગ મચી ગઇ હતી.મોટી દુર્ઘટનાની આશંકા સાથે અરજદારો દૂર જતા રહ્યા હતાં.સદનસીબે આ બનાવમાં કોઇને ઇજા થઇ ન હતી.સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ-૨૦૨૦માં જર્જરિત તલાટી ઓફિસના સમારકામ માટે મામલતદાર તેમજ માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જાણ કરાઇ હતી પરંતુ આજ દિન સુધી કોઇ સમારકામ નહી થતા મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઇ રહી છે.આ કચેરીમાં રેકર્ડરૃમ બનાવવા માટે પાર્ટિશન બનાવાયું છે જેની નજીક બે તલાટી બેસે છે આ પાર્ટિશન આખું નમી ગયું છે અને ગમે ત્યારે ધડામ થાય તો અરજદાર અને તલાટીઓને પણ જીવનું જોખમ સર્જાઇ શકે છે.કચેરીની હાલત જોતા શોર્ટસર્કિટ થવાની તેમજ બારીના તૂટેલા કાચમાંથી વાંદરા અંદર પ્રવેશવાનો ભય પણ છે.