મનપાએ રીબેટ યોજના લંબાવતા મિલ્કત વેરાની આવકમાં ઘટાડો

129

ભાવનગર : ભાવનગર મહાપાલિકાએ રીબેટ યોજના લંબાવતા વેરાની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આજે સોમવારે મહાપાલિકાને વેરાની રૂ. ૧.૧ર કરોડની આવક થઈ હતી. રીબેટ યોજના ગત એપ્રિલ માસમાં પૂર્ણ થવાની હતી તેથી અંતિમ દિવસોમાં મનપાને વેરાની સારી આવક હતી, જેની સરખામણીએ હાલ આવક ઘટી હોવાનુ જણાય રહ્યુ છે.રીબેટ યોજનાના પગલે આગામી દિવસોમાં મનપાને હજુ વેરાની આવક વધશે તેમ જણાય રહ્યુ છે.મહાપાલિકામાં આજે સોમવારે રીબેટ યોજનાના પગલે મિલ્કત વેરાની રૂ. ૧.૧ર કરોડની આવક થઈ હતી, જેમાં ર૦૧૧ કરદાતાએ વેરો ભરી રીબેટ યોજનાનો લાભ લીધો હતો. ૧ર૬૬ કરદાતાએ ઓનલાઈન રૂ. ૮૩ લાખનો વેરો ભર્યો હતો અને ૧ર ટકા રીબેટ મેળવ્યુ હતું. ૭પ૦ કરદાતાએ મનપાની બારીએ રૂ. ૩૦ લાખનો વેરો ભર્યો હતો તેમ ઘરવેરા વિભાગના સુત્રોએ માહિતી આપતા જણાવેલ છે.ત તા. ૩૦ એપ્રિલે ૧૦ ટકા રીબેટ યોજના પૂર્ણ થવાની હતી તેથી છેલ્લા ૧૦ દિવસ વેરો ભરવા કરદાતાનો ધસારો જોવા મળ્યો હતો અને મનપાને આશરે રૂ. ૪ કરોડથી વધુની વેરાની આવક થતી હતી.એક દિવસ મનપાને રૂ. ૯ કરોડની આવક થઈ હતી આટલી વેરાની આવક મનપાને કયારેય થઈ નથી.

મહાપાલિકાએ સાધારણ સભામાં ૧૦ ટકા રીબેટ યોજના ૧૦ દિવસ લંબાવવાની જાહેરાત કરી હતી તેથી આગામી તા. ૧૦ મે સુધી રીબેટ યોજના ચાલશે.મહાપાલિકાએ રીબેટ યોજના લંબાવતા કરદાતાઓને રાહત થઈ ગઈ છે તેથી હાલ ઓછા કરદાતાઓ વેરો ભરી રહ્યા છે.૧૦ ટકા રીબેટ યોજના પૂર્ણ થવાના છેલ્લા ત્રણ-ચાર દિવસ ફરી વેરો ભરવા કરદાતાનો ધસારો વધશે તેમ જણાય રહ્યુ છે.આવતીકાલે મંગળવારે રમજાન ઇદની જાહેર રજા છે પરંતુ જાહેર રજામાં પણ મનપા દ્વારા મિલ્કત વેરો સ્વિકારવામાં આવશે તેથી કરદાતા રીબેટ યોજનાનો લાભ મેળવી શકશે.રીબેટ યોજના મનપાને ફળી છે અને કરોડો રૂપીયાની આવક થઈ છે.

Share Now